સુરતઃ છેલ્લા 3 દિવસથી સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે સુરત જિલ્લાની નદીઓ ગાંડીતૂર બની છે. નદીઓમાં ભારે પાણીની આવક થઈ છે. ભારે પાણીની આવક થતા કિમ નદીનું જળ સ્તર વધ્યું છે. હાલ કિમ નદી વોર્નિંગ લેવલ પર વહી રહી છે, ત્યારે કિમ નદી પાસે આવેલા કઠોદરા ગામ જવાના રસ્તા પર કિમ નદીના પાણી ફરી વળ્યાં હતા.
ઓલપાડના કઠોદરા ગામે જવાના મુખ્ય રસ્તા પર કિમ નદીના પાણી ફરી વળ્યાં હતા. જેને લઈ કિમથી કઠોદરા અને કીમામલી જતો માર્ગ બંધ થઈ ગયો હતો. કઠોદરા અને કિમામલી જતા માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાય જવાના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. દરરોજ આ રસ્તા પર જે નોકરિયાત વર્ગ અવર જવર કરે છે તેઓને પગપાળા આ રસ્તા પરથી પસાર થવું પડે છે. ખાસ કરીને કઠોદરા ગામના જે નીચાણવાળા વિસ્તારોમાં ઘરો આવેલા છે, તેમના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તેમની ઘર વખરીને નુકશાન પહોંચ્યું હતું.
કિમ અને આજુબાજુના ગામના લોકો કોસંબા જવા માટે આ ટૂંકા માર્ગનો ઉપયોગ કરે છે, પરંતુ આ માર્ગ પર પાણી ભરાય જતા લોકોએ 15 કિલોમીટર લાંબો રસ્તો કાપી કોસંબા જવું પડે છે. કિમ નદીનું જળ સ્તર સતત વધી રહ્યું છે. જેને પગલે કિમ ગામે એનડીઆરએફના 22 સભ્યોની એક ટીમ કિમ ગામે તૈનાત કરી દેવામાં આવી છે. હાલ તો જે કિમ નદીના પાણી જે માર્ગ પર ભરાયા છે. તેની પાછળ તંત્રની બેદરકારી પણ દેખાઈ આવે છે. તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના નામે માત્ર વેઠ ઉતારવામાં આવી રહી છે.
વર્ષોથી ગામમાં જે સાંકળી ગટરો છે, જેને પગલે દર વર્ષે આ માર્ગ પર પાણી ભરાવવાની સમસ્યા ગ્રામજનો ભોગવી રહ્યાં છે. ગ્રામજનો માંગ કરી રહ્યાં છે કે, આ જે સાંકળી ગટરોની જે કાંસ છે તેની જગ્યાએ મોટી ગટર બનવવામાં આવે.