- ડોકટરોની દેશવ્યાપી હડતાલને સુરતના તબીબોએ આપ્યું સમર્થન
- તમામ હોસ્પિટલોમાં ઓપીડી બંધ રાખવામાં આવી
- કેન્દ્ર એ આયુર્વેદમાં અનુસ્નાતક પદવી ધારકોને સર્જરી કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે
સુરત: કોવિડ 19 ના દર્દીઓ અને ઇમરજન્સી સેવાઓને બાદ રાખી આજે (શુક્રવાર) શહેરના તમામ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હતા. આયુર્વેદના અનુસ્નાતક પદવી ધારકો સર્જરી કરી શકે. સરકારના આ નિર્ણયને લઈ ડોક્ટરોમાં ભારે રોષ છે આજ કારણ છે કે, સરકારના નિર્ણયનો વિરોધ કરી સુરતના આઇએમએના ડોક્ટરો દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગામી દિવસોમાં આ નિર્ણયનો વિરોધ અન્ય કઈ રીતે કરી શકાય તેની વ્યૂહરચના તૈયાર કરાઈ હતી. આ સાથે ડોક્ટરોએ આ નિર્ણયના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જવાની તૈયારી પણ બતાવી છે.
તમામ હોસ્પિટલોમાં ઓપીડી બંધ રાખવામાં આવી
આયુર્વેદમાં અનુસ્નાતક પદવી ધારકોને સર્જરી કરવાની કેન્દ્ર સરકારની મંજૂરીના નિર્ણયને લઈ IMA દ્વારા વિરોધ કરાયો છે. આ નિર્ણયના વિરોધમાં આજે (શુક્રવાર) શહેરની તમામ હોસ્પિટલોમાં ઓપીડી બંધ રાખવામાં આવી હતી. માત્ર ઇમરજન્સી અને કોવિડ 19ના દર્દીઓ માટેની સારવારની કાર્યવાહી શરૂ રાખવામાં આવી હતી. મુગલીસરા ખાતે આવેલા ઈન્ડીયન મેડીકલ એસોસિએશનની કચેરી ખાતે આજે શહેરના સિનિયર ડોકટરો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને સરકારના નિર્ણયને લઈ આગામી દિવસોમાં કેવી રીતે વિરોધ પ્રદર્શન કરી શકાય તે અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. ડોક્ટરો દ્વારા આ નિર્ણયને યોગ્ય ન હોવાનું જણાવાયું હતું. આ સાથે જ આગામી દિવસોમાં આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીઓ પણ બતાવવામાં આવી છે. ડોક્ટરો પોતાના આ વિરોધ પ્રદર્શનને આગામી દિવસોમાં સોશિયલ મીડિયા થકી પણ વધુ વેગ આપશે.
કેન્દ્ર સરકારનો શું છે નિર્ણય?
આયુર્વેદમાં અનુસ્નાતક પદવી ધારકોને સર્જરી કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. હવે આયુર્વેદની અનુસ્નાતકની ડિગ્રી ધરાવતા તબીબો વિવિધ પ્રકારની જનરલ સર્જરી કાન, નાક, ગળા (ઇએનટી) સર્જરી, આંખની સર્જરી તથા દાતની સર્જરી કરી શકશે. સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરીનો ઈન્ડિયન મેડિકલ એસોસિએસનના દ્વારા કરાયો છે. સરકારનો નિર્ણય મેડિકલ સંસ્થાનોમાં ચોર દરવાજેથી આવી હોવાનું IMAએ જણાવ્યું છે.