સુરત: આમ તો લોકો ડોક્ટરને ભગવાન માને છે. પરંતુ સુરતના સચિન જીઆઇડી વિસ્તારમાં જે ઘટના બની છે. તેના કારણે તબીબી જગતમાં ભારે ચર્ચા ચાલી રહી છે. કારણ કે પતિને સારવાર માટે લઈને ગયેલી મહિલા સાથે તબીબે છેડતી કરી હતી. જે અંગેની ફરિયાદ સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં પીડિત મહિલાએ નોંધાવી હતી. જેના આધારે ડોક્ટર અને તેના ભત્રીજા મોહસીનની છેડતી અને ધમકી આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
પીઠમાં દુખાવો: જીઆઇડીસી વિસ્તાર ખાતે આવેલા ઉન શાકભાજી માર્કેટ પાસે અર્થ હોસ્પિટલમાં એક મહિલા પતિને સારવાર માટે લઈ ગઈ હતી. 26 વર્ષીય પરિણીતાના પતિને છેલ્લા બે મહિનાથી પીઠમાં દુખાવો થતો હતો. પીડિત મહિલાએ 30 મી જાન્યુઆરીએ સારવાર માટે અર્થ હોસ્પિટલમાં પતિને લઈ ગઈ હતી. ત્યાં પતિને એડમિટ પણ કરાવ્યો હતો. ચાર તારીખે મહિલાના પતિને રજા આપી દેવાઇ હતી. પરંતુ પાંચમી તારીખે ફરી પીઠમાં દુખાવો થતા મહિલા પતિને છ તારીખે અર્શ હોસ્પિટલમાં લઇ આવી હતી.
ગુસ્સે થઈ મહિલાને ગાળ: આ દરમિયાન મહિલા અને ડોક્ટર વચ્ચે માથાકૂટ પણ થઈ હતી. મહિલાએ જણાવ્યું હતું કે ડોક્ટર દ્વારા સારવાર બરાબર ન કરવાના કારણે પતિની તબિયત લથડી છે. જ્યારે ડોક્ટર તરફથી કહેવામાં આવ્યું હતું કે, પીડિતાના પતિની સારવાર સારા ઓર્થોપેડિક ડોક્ટર પાસે કરાવવામાં આવી છે. વિવાદ વધતા ડોક્ટર ઈકબાલે ગુસ્સા થઈ મહિલાને ગાળા ગાળ પણ કરી હતી. જ્યારે મહિલા દવાખાનાની બહાર જવા માટે ઊભી થઈ ત્યારે ડોક્ટર ઈકબાલે મહિલાનો હાથ પકડી બળજબરીથી ખેંચી તેને સોફા પર બેસાડી દીધી હતી.
ખોટી રીતે પૈસા લીધા: મહિલાએ ડોક્ટરને કહ્યું હતું કે જે ઓર્થોપેટીક ડોક્ટર પાસેથી સારવાર કરવામાં આવી છે. તેને બોલાવવામાં આવે અને ત્યારબાદ વધુ વિવાદ સર્જાયો હતો. મહિલા વારંવાર જણાવી રહી હતી કે સારવાર કરાવી છે. તેમ છતાં શા માટે રાહત થઈ નથી ? મહિલાએ ડોક્ટરને જણાવ્યું હતું કે તેઓએ પતિની સારવાર બરાબર કરી નથી અને તેમની પાસેથી ખોટી રીતે પૈસા લીધા છે. ડોક્ટરે તેમને હોસ્પિટલથી નીકળી જવા માટે ધમકી પણ આપી હતી.
આ પણ વાંચો Surat News: 11 મહિનાથી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા વદેશીયા ગામના વિકાસમાં બ્રેક
મહિલાએ સચિન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને અમે તપાસ કર્યા બાદ ડોક્ટર અને તેના ભત્રીજા ની ધરપકડ કરી છે.ડોક્ટર ઇકબાલ અને તેના ભત્રીજા મોસીન સામે છેડતી અને ધમકીનો ગુનો નોંધાયો છે. ડોક્ટર ઇકબાલે દંપત્તિને હોસ્પિટલમાંથી ચાલી જાઓ નહીંતર તને અને તારા પતિને જાનથી મારી નાખીશ એવી ધમકી આપવામાં આવી હતી. જ્યારે તેના ભત્રીજાએ દંપત્તિને ગાળો આપી હતી. ડોક્ટરે મહિલાનો હાથ પકડી લીધો હતો--ડીસીપી ભાવના પટેલ