સુરતઃ દિવાળીમાં સૌનું મોઢુ મીઠું કરાવવાની પરંપરા છે. લોકો આ તહેવારમાં મીઠાઈની વિશેષ ખરીદી કરતા જોવા મળે છે. સુરતમાં આ વર્ષે વિશેષ મીઠાઈની વિશેષ ખરીદી જોવા મળી રહી છે. સુરતીઓ આ વર્ષે ખરીદી રહ્યા છે ગોલ્ડન સ્વીટ્સ એટલે કે સોનાના ઉપયોગથી તૈયાર થયેલ મીઠાઈ. હા.....ડ્રાયફ્રુટની આ મીઠાઈ બનાવવામાં વપરાયું છે 24 કેરેટ શુદ્ધ સોનું. આ ગોલ્ડન સ્વીટનો ભાવ પ્રતિ કિલોએ 9000 રુપિયા છે. માત્ર સુરત કે ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર ભારતની મોંઘી મીઠાઈમાં આ ગોલ્ડન સ્વીટનો સમાવેશ થાય છે.
ગોલ્ડન સ્વીટ વિશેઃ સુરતના ઘોડદોડ રોડ પર મીઠાઈની એક દુકાનમાં ગોલ્ડન સ્વીટનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ. આ મીઠાઈમાં સોના વરખ અને ડ્રાયફ્રૂટનો ઉપયોગ થાય છે. આ ગોલ્ડન મીઠાઈની ચાર વેરાઈટી અહીં વેચાઈ રહી છે. જેમાં તુલસી ગંગા, કેસર કુંજ, સ્પેશિયલ નરગીસ અને અનાર ડાયમંડનો સમાવેશ થાય છે. આ મીઠાઈનો સ્વાદ અને તેનું પેકિંગ એટલું રોયલ છે કે ગ્રાહક અત્યંત મોંઘી એવી આ મીઠાઈ ખરીદવા આકર્ષાય છે. સામાન્ય રીતે મીઠાઈ 300થી લઈ 900 રુપિયા પ્રતિ કિલોના ભાવે બજારમાં વેચાઈ રહી છે. જયારે આ ગોલ્ડન સ્વીટ પ્રતિ કિલો 9000ના ભાવે વેચાઈ રહી છે. સૌથી મોંઘી મીઠાઈમાંથી એક હોવા છતા ગ્રાહકો હરખભેર તેની ખરીદી કરે છે. ગ્રાહકો કિલોના પ્રમાણમાં તેમજ 500, 250 ગ્રામમાં પણ ખરીદી કરે છે. કેટલાક ગ્રાહકો તો ગોલ્ડન સ્વીટનો 1 પીસ પણ ખરીદે છે. ગત વર્ષે કુલ 15 કિલો ગોલ્ડન સ્વીટનું વેચાણ થયું હતું. આ વર્ષે જે પ્રમાણે ગોલ્ડન સ્વીટ વેચાઈ રહી છે તેનાથી વેપારીને ગત વર્ષ કરતા વધુ વેચાણ થવાની આશા છે.
આરોગ્યપ્રદ છે ગોલ્ડન સ્વીટઃ આપણા આયુર્વેદમાં પ્રાચીન સમયથી સુવર્ણ ભસ્મનું મહત્વ જોવા મળે છે. રાજા મહારાજા પણ સુવર્ણ ભસ્મ અને તેના વરખથી તૈયાર થતા ખાદ્યપદાર્થો અને ઔષધિઓનું સેવન કરતા હોવનો ઉલ્લેખ છે. આ ગોલ્ડન સ્વીટમાં 24 કેરેટ શુદ્ધ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જે ડ્રાયફ્રુટ વપરાય છે તે બહુ હાઈ ક્વોલિટીના હોય છે. જેમાં વપરાતું કેસર જમ્મુથી મંગાવવામાં આવે છે. તેમજ ડ્રાયફ્રૂટ વિદેશથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. આ મીઠાઈ લાંબા સમય સુધી સાચવી શકાય છે. ફ્રીઝ વિના પણ પંદર દિવસ સુધી આ મીઠાઈને ખાઈ શકાય છે. આમ આ ગોલ્ડ સ્વીટ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. તેથી જ વિદેશ રહેતા સગા સંબંધીઓને દિવાળી ગિફ્ટ તરીકે આ ગોલ્ડ સ્વીટ મોકલી શકાય છે.
આ ગોલ્ડન સ્વીટની ખાસિયત છે કે સૌથી મોંઘા ડ્રાયફ્રૂટમાંથી બનાવવામાં આવે છે. હાઈ ક્વોલિટી કાજુ બદામ તેમજ જમ્મુથી મંગાવેલ કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગોલ્ડન સ્વીટ પહેલા મશિનથી તૈયાર થાય છે ત્યારબાદ તેને હાથથી આકાર આપવામાં આવે છે. ગોલ્ડન સ્વીટની તુલસી ગંગા, કેસર કુંજ, સ્પેશિયલ નરગીસ અને અનાર ડાયમંડ એમ ચાર વેરાયટીનું અમે વેચાણ કરીએ છીએ. આ મીઠાઈ 9000 રુપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે...રાધા મીઠાઈવાલા(ગોલ્ડન સ્વીટના વેપારી, સુરત)
અમારા ઘરે વિદેશથી મહેમાન આવ્યા છે. તેમની આ દિવાળી યાદગાર બની રહે તે માટે મેં આ ગોલ્ડન સ્વીટની ખરીદી કરી છે. આ મીઠાઈ ચોક્કસથી મોંઘી છે પરંતુ મહેમાનો માટે આ મીઠાઈ હંમેશા યાદગાર બની રહેશે...વંશિકા(ગોલ્ડન સ્વીટ ખરીદનાર, સુરત)