સુરત: રિજીયન વન ટ્રાફિક સેકટર સુરત દ્વારા કોરોના સામે લોકોને રક્ષણ આપવા હેતુથી ટ્રાફિક પોઇન્ટ પરથી પસાર થતા તમામ લોકોને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આઈ ફોલો અભિયાનની સાથે ઉકાળા વિતરણ કરતા લોકોને કોરોના સામે રક્ષણ મળશે.
સમગ્ર સુરત હાલ કોરોનાના ભરડામાં છે અને સુરતમાં કોરોના કેસ 10,000ને પાર થઈ ચૂક્યા છે. આવા સમયમાં સુરત ટ્રાફિક પોલીસ રિજીયન વન દ્વારા આઈ ફોલો અભિયાનની સાથે ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સુરતના ઉધના વિસ્તાર સ્થિત રોકડીયા હનુમાન મંદિર પાસે આવેલા ટ્રાફિક પોઇન્ટ પર તમામ વાહન ચાલકોને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઉકાળાથી શરીરમા રોગપ્રતિકારક શક્તિ વધે છે, અને કોરોના સામે રક્ષણ મળે છે. જે કારણે સુરત ટ્રાફિક પોલીસ અને સ્થાનિક સંસ્થાની મદદથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સુરત પોલીસ દ્વારા દિવસ દરમિયાન 2000 જેટલા લોકોને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. સુરત પોલીસના આ કાર્યને લોકોએ વધાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. જે કારણે સુરતમાં 1000 બેડની કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરવમાં આવ્યું હતું. આ હોસ્પિટલનું ઈ-લોકાર્પણ વિજય રૂપાણીએ 17 જુલાઈના રોજ કર્યું હતું.