સુરત: શહેર પર કોરોના સહિત પુરનું સંકટ પણ ટળી જાય તે માટે વિવિધ થીમ પર ગણેશજીની પ્રતિમાની સ્થાપના સાથે પૂજા શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના રામપુરા વિસ્તારમાં રહેતા આર્ટિસ્ટ ડિમ્પલ જરીવાલાએ માટીમાંથી એક, બે નહીં પરંતુ 15 જેટલા ગણેશજી બનાવ્યા છે. એટલું જ નહીં એ મૂર્તિઓમાં માટી ઉપરાંત વેસ્ટમાંથી બેસ્ટની જેમ નાના મણકા અને નકામી બોલપેનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ 15 મૂર્તિઓ અલગ અલગ મુદ્રામાં બનાવી છે. આ મૂર્તિઓ 1.5 મિલિમીટરથી લઈને 1.5 ઈંચ સુધીની છે. એટલે કે આ 1.5 mm મૂર્તિને સ્પષ્ટ રૂપે જોવા માટે બિલોરી કાચની જરૂર પડશે. આર્ટિસ્ટ દ્વારા દર વર્ષે વેસ્ટ મટીરીયલ એવા બોલપેન, પેપર, પ્લાસ્ટિકની બોટલ વગેરેમાંથી મૂર્તિઓ માંગ અનુસાર તૈયાર કરવામાં આવતી હતી. જોકે, આ વર્ષે માંગ ન હોવાથી ઘરે જ આ મૂર્તિઓ સ્થાપિત કરી છે. બાળક જન્મ્યું હોય ત્યારના, થાંભલા પર લસરતા, ઘોડિયામાં સૂતેલા, અરીસા સાથે રમતા, ઉંદર સાથે રમતા, રાજગાદી પર બેઠેલા તેમજ કોરોનાનો સંહાર કરતા એમ અલગ અલગ થીમ પર ગણપતિજીને બનાવ્યા છે.
આ અંગે આર્ટિસ્ટ ડિમ્પલ જરીવાલાએ જણાવ્યું કે, સામાન્ય રીતે આ દરેક મૂર્તિઓ બનાવવામાં 15 થી 20 મિનિટનો જ સમય લાગ્યો હતો. પરંતુ કોરોના પર ઉભા રહેલા ગણપતિજીને બહારથી સ્પોર્ટ ન હતો. જેથી તેને બનાવવામાં આશરે પોણો કલાક જેટલો સમય નીકળી ગયો હતો. આ ઉપરાંત 1.5 મિલિમીટરના ગણપતિ કે જે સૌથી નાના છે તેને બનાવવામાં મને સમય લાગ્યો હતો.