શ્યામનતક ડાયમંડ પેઢીના માલિક હિંમત જી.કોશિયા અને ભાગીદાર વિજય ગોપાલભાઈ કોશિયા સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોશિયા બંધુઓએ મુંબઈના હીરાના વેપારી પાસેથી લાખોની કિંમતના 1908.23 કેરેટના હીરા 1,03,791 ડૉલરમાં ખરીદ્યા બાદ હીરા લઈ વેપારીઓ રફ્ફૂ-ચક્કર થઈ ગયા હતા.જેના પગલે મુંબઇના અંધેરીના હીરા વેપારી શૈલેષભાઇ ઇન્દુલાલ દોશી દ્વારા કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત અન્ય વેપારીઓ સાથે પણ કોશિયા બંધુઓ દ્વારા લાખોની ઠગાઈ કરવામાં આવી હોવાની માહિતી મળી છે. જો કે હજી સુધી કોઈ સત્તાવાર આ માહિતીને સમર્થન નથી.
હીરા બજારમાં ઉઠમનાની ઘટના અન્ય હીરા વેપારિઓ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. વિશ્વાસ અને ભરોસા પણ ચાલતો હીરા વેપારનો ધંધો હવે અન્ય હીરા વેપારીઓ માટે મોટી મુશ્કેલી બની રહી છે. કોઈ પણ વ્યક્તિ સાથે ઉધારીમાં અને ક્રેડિટમાં ધંધો કરતા પહેલા સુરતના હીરા વેપારીઓ કચવાટ અનુભવી રહ્યા છે. હીરા ઉદ્યોગના અગ્રણીઓની વાત માનીએ તો ઉથમણાં પાછળ ડોલર નબળો હોવાનું જવાબદાર માનવામાં આવે છે. જે પ્રકારે શ્યામનતક ડાયમંડ પેઢીએ ઉઠમણું કર્યું છે તે અગાઉ પોતાના કારીગરોને છુટા કરી દેતા વિવાદમાં આવી ચૂકી છે. જ્યાં 400 જેટલા કારીગરોને રત્નકલાકાર સંઘ અને ડાયમંડ એસોસિયેશની મધ્યસ્થી બાદ 65 લાખ જેટલો પગાર ચુકવવામાં આવ્યો હતો.
સ્થાનિક હીરા વેપારીઓમાં ચાલતી ચર્ચાઓ પ્રમાણે હાલ પેઢીએ ઉઠમણું કર્યા બાદ પણ લેણદારો અહીં આવીને ચાલ્યા જાય છે. જેથી અન્ય હીરા વેપારીઓના પણ નાણાં ફસાયેલા હોવાની આશંકા છે. જો કે છેતરપિંડીનો ભોગ બનનાર અન્ય વેપારીઓ સામે ન આવતા સત્તાવાર આ બાબતને કોઈ સમર્થન પ્રાપ્ત નથી થઈ રહ્યું..