સુરત: લોકડાઉન ખુલ્યા બાદ સુરતના હીરાઉદ્યોગોને છેલ્લા કેટલાય સમયથી મંદીનું ગ્રહણ નડી રહ્યું હતું. પરંતુ ફરી એક વખત સુરતનો ડાયમંડ ઉદ્યોગ તેજી તરફ આગળ વધી રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રફ ડાયમંડનું 50 થી 60 ટકા જેટલું એક્સપોર્ટ આંકડાકીય દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે.
લોકડાઉનના જૂન અને જુલાઈ મહિનામાં વોલેન્ટીયરી ઈમ્પોર્ટ બંધ થવાના કારણે હાલ રફ ડાયમંડની ડિમાન્ડ વધી છે. જેના કારણે પાઈપલાઈનમાંથી 1.8 બિલિયન ડોલરનો રફ ડાયમંડનો સ્ટોક ઓછો થયો છે. આથી વેપારીઓની આર્થિક સંકડામણ ખૂબ જ ઓછી થઈ છે. આ પરિસ્થિતીને જોતા દિવાળી અને ક્રિસમસના સમયમાં વધુ ફાયદો થવાનું નિષ્ણાંતો અનુમાન લગાવી રહ્યા છે.
જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલના પ્રમુખ દિનેશ નાવડીયાએ આ વિશે જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ હોવાને કારણે રો-મટીરીયલની આયાત નથી રહી. એમએસએમઈ સેક્ટરના નાના લોકોને વિદેશોમાં ઓફીસ નથી હોતી પરંતુ મોટા સેક્ટરના લોકોને હોય છે. જે રફ હીરા ખરીદીને મોકલતા હોય છે. આથી અમે તેમને માટે ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવાની માગ કરી છે.
જૂન-જુલાઈમાં વોલેન્ટીયરી ઈમ્પોર્ટ બંધ કરવાને કારણે હાલ માર્કેટમાં રફ ડાયમંડની ડિમાન્ડ પણ ખૂબ વધી છે અને સ્થાનિક લેવલે તેના ભાવ પણ વધ્યા છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં વાતાવરણ મજબૂત હોવાને કારણે છેલ્લા બે મહિનામાં રફ ડાયમંડના ઈમ્પોર્ટનો ગ્રાફ વધી રહ્યો છે. જે એક શુભ સંકેત છે.
સુરતથી શ્વેતા સિંહનો વિશેષ અહેવાલ.