- સુરતમાં કરોડો રૂપિયાનો હીરાનો કારોબાર થાય
- સુરતમાં એક માનવતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ
- CCTV ફૂટેજ તપાસી 12 લાખનું હીરાનું પડીકું પરત કર્યું
સુરત : શહેરને હીરા નગરી તરીકે ઓળખવામાં આવે છે. સુરતમાં કરોડો રૂપિયાનો હીરાનો કારોબાર થાય છે. આ દરમિયાન હીરા વેપારીઓ સાથે લાખોના હીરા ચોરી થવાની તેમજ ઠગાઈ થવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. પરંતુ સુરતમાં એક માનવતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પણ જોવા મળ્યું છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો, વરાછાના મીરા જેમ્સના રાહુલ મોરડિયા બુધવારે સાંજે કતારગામ ખાતે આવેલા સેફ વોલ્ટમાં હીરાના પડીકાં મુકવા માટે ગયા હતા.
આ પણ વાંચો : હીરાના કારખાનામાં 7 લાખના હીરા અને 21 હજાર રૂપિયાની ચોરી
હીરાનું જોખમ ત્યાં કામ કરતા ધીરુભાઈને મળ્યું
સેફ વોલ્ટમાં હીરા મુકવા માટે ગયા હતા. જેમાંથી એક પેકેટ સેફ ડિપોઝિટ વોલ્ટની ઉપર ભૂલી ગયા હતા. પરંતુ તે હીરાનું જોખમ ત્યાં કામ કરતા ધીરુભાઈને મળ્યું હતું. જેથી તેઓએ તે હીરાનું પડીકું મેનેજરને આપી દીધું હતું. બીજા દિવસે રાહુલને હીરાનું પડીકું ગુમ થયાની વાત જાણ થતા તેઓ કતારગામ સ્થિત સેલ્ફ ડીપોઝીટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં મેનેજરે ત્યાં લાગેલા CCTV ફૂટેજ તપાસીને પાંચ લોકોની સાક્ષીમાં 12 લાખનું હીરાનું પડીકું પરત કર્યું હતું.
કર્મચારીનું સન્માન સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કરાયું
નયના ઠુમ્મરે જણાવ્યું હતું કે, અમે કતારગામમાં સેલ્ફ ડીપોઝીટ વોલ્ટ ધરાવીએ છીએ. અમારે ત્યાં કામ કરતા ધીરુભાઈને આ પડીકું મળ્યું હતું. જેથી અમે આ પેકેટ સાચવીને મૂકી દીધું હતું. બીજા દિવસે રાહુલને બોલાવીને બધી ચકાસણી કરીને તે હીરાનું પડીકું પરત કરવામાં આવ્યું છે. અમારા કર્મચારીની નિષ્ઠા અને પ્રમાણિકતા જોઇને કર્મચારીનું સન્માન સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. જેથી અમે પણ ગર્વની લાગણી અનુભવીએ છીએ. આજના સમયમાં ભાઈ ભાઈનો નથી અને હજારોની મત્તા પરત આપતા નથી. ત્યારે આવી રીતે લાખોના હીરા પરત એક કર્મચારી કરે છે તે સમાજ માટે ઉદાહરણરૂપ છે.
આ પણ વાંચો : ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હીરા ઉદ્યોગ ચાલુ રાખવા કલેક્ટરને કરાઇ રજૂઆત
રાહુલે ધીરુભાઈનો આભાર માન્યો
રાહુલ મોરડિયાએ જણાવ્યું હતું કે, હું કતારગામ સેલ્ફ વોલેટમાં હીરાનું પડીકું ભૂલી ગયો હતો. જેને લઈને હું ચિંતામાં હતો. પરંતુ કર્મચારીની નિષ્ઠા અને પ્રમાણિકતાના હિસાબે મને હીરાનું પડીકું પરત મળ્યું છે. જેને લઈને હું કર્મચારી ધીરૂભાઈનો ખુબ ખુબ આભાર માનું છું. મને જો હીરા પરત ન મળ્યા હોતે તો હું ખુબ જ મુશ્કેલીમાં મૂકાઈ જાત.