ગુજરાત રાજ્યમાં આ વખતે ભારે વરસાદ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ સહિત વાવાઝોડાની અસર પહોંચી છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે જોડાયેલ અઢાર જેટલી જિલ્લા દૂધ સંઘોમાં દૂધનું ઉત્પાદન પણ ઘટ્યું છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે જોડાયેલ અઢાર જેટલા સંઘોમાં ગત વર્ષ કરતા બાર ટકા દૂધનો ઘટાડો નોંધાયો હોવાનું ગુજરાત ખેડૂત સમાજના અગ્રણી જયેશ ડેલાડે જણાવ્યું છે. જયેશ ડેલાડે જણાવ્યું છે કે, પ્રતિ દિવસ 25 લાખ લિટર દૂધનો ઘટાડો સંઘોમાં થયો છે.
દરરોજનું દસ કરોડનું પશુપાલકોને નુકશાન થઈ રહ્યું છે. અતિભારે પડેલા વરસાદને કારણે પશુઓ રોગચાળાના ભરડામાં સપડાયા હોવાથી તેની અસર પહોંચી છે. ગુજરાતમાં આશરે 35 લાખ જેટલી મહિલાઓ રોજગારી મેળવે છે. મહિલાઓની રોજગારી સામે પણ હાલ પ્રશ્ન ઉભો થયો છે. ગુજરાતના પશુપાલકો માટે રાજ્ય સરકાર રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી માગ ગુજરાત ખેડૂત સમાજ કરી રહ્યું છે.