સુરત : સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એથર કેમિકલ ઈન્ડસ્ટ્રીમાં બનેલી આગ દુર્ઘટનામાં મૃત્યુ આંક વધીને આઠ થયો છે. આ મામલે વધુ એક કામદારનું મોત નીપજ્યું છે. આગ પ્રકરણમાં આજ દિન સુધી કુલ આઠ કામદાર અને એક સફાઈકર્મીનું મોત નીપજ્યું છે. આ ઘટનાના નવ દિવસ પછી એફએસએલ પણ સક્રિય થયું છે. એફએસએલ દ્વારા કેમિકલ યુનિટમાં સેમ્પલ લેવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ સ્ટ્રકચર સ્ટેબિલિટીના રિપોર્ટનું પણ આવશે.
70 ટકા દાજેલા કામદારનું મોત : આ સમગ્ર ઘટનામાં આજ સુધીમાં કુલ આઠ જેટલા કામદારનું મોત થયું છે. જ્યારે એક સફાઈકર્મી પણ આ ઘટનામાં મોતને ભેટ્યો છે. ઘટનાના નવ દિવસ બાદ ગંભીર રીતે દાજી ગયેલા 40 વર્ષીય પ્રમોદ મદારી ગૌતમનું મોત નીપજ્યું છે. તેઓ 70 % દાઝી ગયા હતા. હાલ પ્રાઇવેટ હોસ્પિટલમાં આઠ જેટલા કામદારો સારવાર લઈ રહ્યા છે. જેઓ 30 થી 60 ટકા સુધી દાઝ્યા છે તેમની સારવાર ચાલી રહી છે.
એથર ઇન્ડસ્ટ્રી આગ દુર્ઘટના : તારીખ 29 નવેમ્બરના રોજ સુરત શહેરના સચિન જીઆઇડીસીમાં આવેલી એથર કેમિકલ ઇન્ડસ્ટ્રીના સ્ટોરેજ ટેંકમાં બ્લાસ્ટ થતા ભીષણ લાગી હતી. આગ આટલી હદે વિકરાળ હતી કે કંપનીમાં કામ કરી રહેલા સાત જેટલા કામદારોના મોત થયા હતા. જ્યારે 10 થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. 24 જેટલા કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા.
તંત્રની કાર્યવાહી : આ ઘટનામાં હજી સુધી કોઈ એફઆઇઆર થઈ નથી. જોકે ઘટનાના નવ દિવસ પછી એફએસએલ સક્રિય થઈ છે. હાલ આ એફએસએલના અધિકારીઓ દ્વારા યુનિટની અંદર સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરાઈ છે. આ સમગ્ર મામલે સુરત જિલ્લા કલેકટરે SIT ની રચના પણ કરી છે. SIT સભ્યો આ ઘટના કઈ રીતે બની અને સમગ્ર ઘટનામાં કોઈ બેદરકારી છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરશે. ઉપરાંત એફએસએલ દ્વારા સ્ટ્રકચર સ્ટેબિલિટીના રિપોર્ટ પણ તપાસ કરવામાં આવશે.
મૃત્યુઆંક વધ્યો : એથર કેમિકલ ઇન્ડસ્ટ્રીના સ્ટોરેજ ટેંકમાં બ્લાસ્ટ બાદ અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એથર કંપનીમાં બનેલા આગના બનાવના કારણે ગુજરાતભરમાં ચકચાર મચી ગયો હતો. આ દુર્ઘટનામાં કુલ 27 થી પણ વધુ કામદારો દાઝી ગયા હતા. જ્યારે આ ઘટના બની તે દિવસે સાત જેટલા લાપતા કામદારોના કંકાળ બીજા દિવસે મળી આવ્યા હતા. એથર કંપનીએ આ ઘટનાના બીજા જ દિવસે મૃતક કામદારોના પરિવારજનોને 50 લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્ણય લીધો હતો.