સુરત : સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં બલેશ્વર ગામે આવેલી કિરણ ઈન્ડસ્ટ્રીઝમાં નવા વર્ષના દિવસે ટાંકી સાફ કરવા ગયેલા પિતા-પુત્ર સહિત ચાર શ્રમિક ગૂંગળામણથી બેહોશ થયા હતા. બાદમાં આ ચારેય વ્યક્તિનું મોત થયું હતું. આ મામલે પોલીસે 11 દિવસ બાદ કંપનીના જનરલ મેનેજર સહિત ત્રણ જવાબદાર લોકો સામે બેદરકારીથી મોત નીપજાવવાનો ગુનો નોંધ્યો છે.
શું હતો મામલો ? પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં રાજહંસ ટેક્સપામાં આવેલ કિરણ ઈન્ડસ્ટ્રીઝમાં ગત 14 નવેમ્બરના રોજ ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોનું મોત થયું હતું. આ બાબતે પોલીસની કાર્યવાહીને શંકાની નજરે જોવામાં આવી રહી હતી. જેમાં 11 દિવસ બાદ પણ ગુનો નહીં નોંધાતા પોલીસની કાર્યવાહી સામે શંકા ઉપજી રહી હતી. દરમિયાન શનિવારના રોજ ત્રણ જવાબદાર લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હાલ ત્રણ સામે બેદરકારીથી મોત નીપજાવવા બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. -- મિતેષ ચૌધરી (તપાસ અધિકારી)
4 શ્રમિકોના મોત : 14 નવેમ્બરના રોજ મિલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 39 વર્ષીય રાજુભાઈ લુમસિંગ બધેયા બેભાન થયા બાદ તેમને બચાવવા પુત્ર કમલેશ પણ ટાંકીમાં ઉતર્યો હતો. પરંતુ તે પણ બેભાન થઈને નીચે પડ્યો હતો. આ પિતા-પુત્રને બચાવવા માટે 19 વર્ષીય શાહબાઝ મહમદ સદર શેખ અને 26 વર્ષીય દિપકસિંહ ઉમાશંકર પણ ટાંકીમાં ઉતરતા તે પણ બેભાન થઈ ગયા હતા. ફાયર બ્રિગેડે તેમને બહાર કાઢતા ચારેયના મૃતદેહ હાથ લાગ્યા હતા. આ ઘટના અંગે જે તે સમયે રાજુભાઈની પત્નીની ફરિયાદના આધારે અકસ્માતે મોત નોંધવામાં આવી હતી.
3 જવાબદારો સામે ગુનો નોંધાયો : આ મામલે પોલીસે મૃતક રાજુભાઈના ભાઈ બદડુભાઈની ફરિયાદને આધારે 11 દિવસ બાદ મૂળ અમરેલી જિલ્લાના ચલાલા ગામના વતની કંપનીના જનરલ મેનેજર પ્રદીપ જયંતિ ખોરાડ જે હાલ કીમ વિસ્તારના શિવગંગા રેસિડેન્સી ખાતે રહે છે, મૂળ રાજસ્થાનના વતની અને પલસાણાના ગૌરવ ટાઉનશીપ ખાતે રહેતા ફર્સ્ટ ઇન્ચાર્જ ઓમપ્રકાશ મનોહરલાલ શૈની અને મૂળ પાટણ જિલ્લાના ચાણસ્માના વતની સેકન્ડ ઇન્ચાર્જ ખોડાભાઈ શંકરભાઈ પટેલ વિરુદ્ધ બેદરકારીથી મોત નીપજાવવાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.