- પ્રસુતિ દરમિયાન નવજાત અને માતાનું મોત
- હોસ્પિટલની બહાર પરિવારજનોનો હોબાળો
- પોલીસે અકસ્માત મોતની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી
બારડોલી: બારડોલીની પાયલ હોસ્પિટલમાં નવજાત બાળકનું તથા તેની માતાનું ડિલિવરી બાદ મોત નીપજતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પોલીસે હાલમાં જાણવા જોગ ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.
માતા-બાળકનું મોત
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત મોટા વરાછાની નાથુ નગર સોસાયટીમાં રહેતી જીગીશા જયેશભાઇ પટેલ (26) ગર્ભવતી હોવાથી પોતાના પિયર બારડોલી તાલુકાના રામપરા ( ખરવાસા) ગામે રહેવા ગયા હતા. જ્યાં તેમને છેલ્લો મહિને પ્રસૂતિની પીડા ઉપડતા 25મી ઓક્ટોબર રવિવારના રોજ બારડોલીના સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં આવેલી પાયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સોમવારે સવારે તેમણે એક બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ ચાલુ સારવાર દરમિયાન નવજાત બાળકનું મોત થઈ ગયું હતું. જ્યારે ડિલિવરી દરમિયાન જીગીશાબેનનું ગર્ભાશય ફાટી જતા તેમને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સોમવારના રોજ સાંજે તેમનું મોત નીપજ્યું હતું.
હોબાળા બાદ પોલીસની કાર્યવાહી
આ ઘટનાને પગલે મહિલાના પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો. જો કે પોલીસે પહોંચી મામલો શાંત પાડ્યો હતો. પોલીસે અશ્વિનભાઈ હરીશભાઈ પટેલની જાહેરાતને આધારે અકસ્માત મોતની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.