સુરતની સડકો પર ફરી એક વખત ભયજનક સ્ટન્ટ જોવા મળ્યો છે. લોકોની શાંતિ અને સલામતી જોખમાય તે રીતે ગેરકાયદે જાહેર સર્વિસ રોડ પર સ્ટંટ કરવામાં આવ્યો છે. છ જેટલા શખ્સોના ગૃપ દ્વારા આ સ્ટન્ટ કરાયો છે. જેનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયો સુરતના પીપલોદ વિસ્તારનો છે. વાયરલ વીડિયોમાં યુવક હાથ છોડી અને ઉભા થઇ ટુ-વ્હીલ વાહન હંકારતો જોવા મળે છે. બાઇક હાંકનાર અને રોડ પરથી પસાર થનાર લોકો માટે આ જોખમરૂપ સાબિત થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, રવિવારનો દિવસ અને મોટી સંખ્યામાં લોકો હરવા-ફરવા જતા હોય છે, જે દરમિયાન અજાણ્યા ઈસમો દ્વારા ભયજનક સ્ટન્ટ કરવામાં આવ્યો હતો. લોકોના જીવ જોખમાય તે પ્રમાણેના સ્ટન્ટ છેલ્લા ઘણા સમયથી આ બાઈકર્સ ગ્રુપના ઇસમો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ આવા સ્ટંટના કારણે ઝઘડાઓ અને મારામારી પણ થઈ ચૂકી છે જે હત્યાના બનાવ સુધી વાત પહોંચી ગઈ હતી.
આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસના જવાન તૈનાત હોય છે પરંતુ બેફામ બની ગયેલા બાઈકર્સ પોલીસથી પણ ભયભીત નથી અને કાયદા વ્યવસ્થાના ધજાગરા ઉડાવી રહ્યા છે. જેથી પોલીસ અને આ બાઈકર્સને લઇ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.