સુરત: ફિલ્મનો નાઇટ શો જોઈને કારમાં પરત ફરી રહેલા કોસંબાનાં દંપતિને અકસ્માત નડ્યો હતો. મળેલી માહિતી અનુસાર ડુક્કરોનું ઝુંડ કાર સામે આવી જતા સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ગાડી રોડની બાજુમાં આવેલા ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં પડી હતી. દંપતી પૈકી પત્ની કેનાલના પાણીમાં ડૂબી ગઈ હતી.
કેવી રીતે થયો અકસ્માત?: પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના બોર્ડર ઉપર કોસંબા ખાતે રહેતા હરદીપસિંહ વિજયસિંહ વશી રહે સંસ્કારદીપ સોસાયટી તરસાડી (કોસંબા) પોતાની પત્નિ હેતલબેન સાથે ગત રાત્રીના સુરત ખાતે લાસ્ટ શોમાં મુવી જોવા માટે પોતાની કાર લઇને ગયા હતા. મોડી રાત્રે મુવી જોઈને સુરતથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કોસંબા અને પંડવાઇ સુગર વચ્ચે આવેલ રોડ ઉપર મોડી રાત્રે અચાનક ભુંડનું ટોળું આકસ્મિક મુખ્ય રસ્તા ઉપર આવી જતા કાર ચાલક હરદીપસિંહ વશીએ પોતાની કારના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો.
પત્ની કેનાલમાં તણાઈ: ગણતરીની મિનીટોમાં બનેલી અકસ્માતની ઘટનામાં દંપતિ સહિત કાર રોડની બાજુમાં આવેલી મોટી કેનાલમાં ખાબકી ગઇ હતી. મોડી રાત્રે લોકોની નહીવત હાજરી વચ્ચે સુમસામ રસ્તા પર બનેલા અકસ્માતનાં બનાવમાં પરીસ્થિતી પામી ગયેલા કાર ચાલક માંડમાંડ બહાર નિકળવામાં સફળ રહ્યા હતા. તેમજ કારમાં સવાર પત્ની હેતલને બહાર કાઢવાનો નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ કાર સાથે પત્ની કેનાલનાં ધસમસતા પાણીનાં વહેણમાં ડૂબી ગઇ હતી.
પત્નીનું મોત: સમગ્ર ઘટનાની જાણ આસપાસમાં રહેતા લોકોને થતા કાર ચાલક દંપતિની વ્હારે દોડી આવેલા ગ્રામજનોએ કારની શોધખોળ આદરી હતી. બનાવના સ્થળે પહોંચેલી પોલીસ અને પાનોલી ફાયરબ્રીગેડની ટીમનો કાફલો અકસ્માત સ્થળે દોડી આવી કાર સહિત મૃત હાલતમાં પત્ની હેતલબેનનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. ઉપરોક્ત અકસ્માતમાં કોસંબા તરસાડી સ્થિત હેતલબેનનું કેનાલનાં પાણીમાં ડૂબી જવાથી મોત થયુ હતુ. પાનોલી પોલીસે મૃતકની લાશનો કબ્જો લઈ પેનલ પીએમ કરી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.