સુરત જિલ્લામાં આવેલા બારડોલી નગરપાલિકા વિવાદમાં સપડાઈ છે. બારડોલી નગરપાલિકાના સત્તાધીશો અને કર્મચારીઓ અલંકાર રોડ પર આવેલા દશામાના મંદિરની દીવાલ તોડવા ગઈ હતી. જો કે આ ડીમોલિશનમાં જેમ તેમ કામ કરતા દીવાલની સાથે માતાની મૂર્તિ પણ ખંડિત કરી હતી. જે બાબતે સ્થાનિકો તેમજ હિન્દુ સંગઠનોએ બબાલ કરી હતી.
આ બાબતે મોટી સંખ્યામાં લોકોએ નગરપાલિકા ખાતે ધસી આવીને પ્રમુખ અને અન્ય નગરસેવકોનો ઉધડો લીધો હતો. તો સાથે જ પાલિકાની કામગીરી સામે રોષે ભરાયેલા લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને મધ્યસ્થી કરીને મામલાને થાળે પાડ્યો હતો. હિન્દુ સંગઠન દ્વારા દિવાલ તેમજ મુર્તિ બાબતે યોગ્ય ઉકેલ લાવવા લેખિતમાં આવેદન પાલિકા પ્રમુખને આપવામાં આવ્યું હતું.
આ બનાવમાં મોટાભાગે બારડોલી નગર પાલિકાના સત્તાધીશો નાના-નાના બાંધકામોને દૂર કરીને બહાદુરી બતાવવા નિકળી પડે છે. જ્યારે નગરમાં સત્તાધીશો સહિત અનેક મોટા બાંધકામો નગરમાં ફૂલીફાલી રહ્યાં છે. જેની સામે કાર્યવાહી કરવામાં પાલિકા આજદિન સુધી વામણી પુરવાર થઇ છે. ત્યારે આ વખતે દિવાલના સ્થાને માતાજીની મૂર્તિની પણ દરકાર રાખી ન હતી. જો આ બાબતે યોગ્ય ઉકેલ નહી આવે તો આગામી દિવસોમાં મામલો વધુ ઉગ્ર બની શકે તેમ છે.