સુરત : ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધારો થઇ રહ્યો છે. સુરત શહેરના વરાછાની ભક્તિ નગર સોસાયટીમાં રહેતાં 64 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. વૃદ્ધ એ આત્મહત્યા પહેલા એક સ્યૂસાઈડ નોટ પણ છોડી હતી. જેમાં કોરોનાના કારણે તેમને આત્મહત્યા કરી રહેલા હોય તેવો ઉલ્લેખ પણ કર્યો છે. હાલ વરાછા પોલીસે આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 64 વર્ષીય લીલાધર વરુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેઓ માનસિક તણાવમાં રહેતા હતા. ગત રોજ સાંજના સમયે લીલાધરભાઇ એક અલગ રૂમમાં હતા અને પરિવારના સભ્યો અન્ય રૂમમાં બેઠા હતા. જે દરમિયાન લીલાધરભાઈએ પોતાના જ રૂમમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધો હતો. ચા નાસ્તા માટે જ્યારે રૂમ ખોલવામાં આવ્યો, ત્યારે વૃદ્ધને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતાં જ 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવ અંગે વરાછા પોલીસે તપાસ કરતા વૃદ્ધના રૂમમાંથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી.
જેમાં તેમને ઉલ્લેખ કર્યો હતો કે, છેલ્લા કેટલાક દિવસથી કોરોનાની બીમારીને કારણે માનસિક તાણ અનુભવતા હતા અને સતત ચિંતામાં રહેતા હતા. મારા આત્મહત્યામાં કોઈ વ્યક્તિનો વાંક નથી, હું મારી જાતે જ આત્મહત્યા કરૂ છું.