- બારડોલી શહેર કોંગ્રેસે કરી લેખિતમાં રજુઆત
- દક્ષેશ શેઠની હરકતથી પાલિકાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોવાની રજુઆત
- હોદ્દા પરથી દુર કેમ નહીં કરવા તેવી શો કોઝ નોટિસ આપવા માગ
બારડોલી : બારડોલી શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે, બારડોલીમાં કેટલાક દિવસોથી નામી અનામી લોકોના બીભત્સ વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. જેમાં બારડોલી નગરપાલિકાના નગરસેવક દક્ષેશ શેઠનો પણ સમાવેશ થાય છે. દક્ષેશ શેઠના બીભત્સ અને અશ્લીલ વીડિયોને કારણે બારડોલી નગરપાલિકાની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દક્ષેશની હાજરીથી મહિલા ક્ષોભજનક સ્થિતિમાં મુકાય જવાની સંભાવના
કોંગ્રેસના મહિલા નેતા સ્વાતિ પટેલે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે પણ બારડોલી નગરમાં દક્ષેશ શેઠ વિરુદ્ધ પત્રિકા પણ ફરતી થઈ હતી. તદુપરાંત બારડોલી નગરપાલિકામાં પ્રવર્તમાન કાયદા અનુસાર 50 ટકા મહિલા સભ્યો છે. તે સંજોગોમાં ભવિષ્યમાં જ્યારે પાલિકામાં કોઈ મિટિંગ કે સામાન્ય સભા મળે ત્યારે મહિલા સભ્યો દક્ષેશ શેઠની સામે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જવાની સંભાવના છે.
દક્ષેશ શેઠને હોદ્દા પરથી દૂર કરવા માગ
આથી કૉંગ્રેસ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી દક્ષેશ શેઠને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી કેમ ન કરવી તે બદલ શો કોઝ નોટિસ પાઠવવાની માગ કરી હતી. આ પ્રસંગે બારડોલી શહેર કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ફેસબુક મેસેન્જર પર નગરપાલિકાના સભ્ય દક્ષેશ શેઠ હનીટ્રેપનો શિકાર બન્યા હતા અને ત્યારબાદ અશ્લીલ હરકતો કરતો વીડિયો વાઇરલ થતા ચકચાર મચી ગઇ હતી.