સુરતઃ જો, દક્ષિણ ગુજરાત પર વાવાઝોડુ ત્રાટકે તો આશરે 500 કરોડનું નુકશાન ખેડૂતોને સહન કરવાનો વારો આવી શકે છે. જ્યાં વાવાઝોડાની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
કેરળથી દુર અરબી સમુદ્રમાં એક વાવાઝોડુ સક્રિય થઈ રહ્યું છે. જે વાવાઝોડું સક્રિય થયા બાદ દક્ષિણ ગુજરાત પર ત્રાટકી શકે છે. જે આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત પર જો વાવાઝોડું ત્રાટકશે તો તેની સીધી અસર ડાંગર સહિત બાગાયાતી પાકો પર થઈ શકે છે.
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું છે કે, વાવાઝોડુ અને ગાજવીજ સાથે જો વરસાદ પડે તો ખેતરમાં કાપણી માટે રહેલા 70 ટકા ડાંગરના પાકને નુકશાન થઈ શકે છે. સાથે જ બાગાયાતી પાકોને પણ નુકશાન થવાની ભીતિ છે. જેમાં કેરીના આશરે 200 કરોડના પાકને પણ મોટું નુક્શાન થવાની ભીતિ છે. કોરોનાની મહામારીના કારણે કેરીનો મોટાભાગનો પાક હજી પણ આંબા પર છે. જે ઉતારી સકાયો નથી. જેથી દક્ષિણ ગુજરાત પર વાવાઝોડાની અસર વર્તાઈ તો ખેડૂતોને 500 કરોડનું નુકશાન સહન કરવાનો વારો આવી શકે છે. વાવાઝોડાની અગાહીને ટાળવા ખેડૂતો હાલ કુદરત પાસે પ્રાર્થના કરી રહયા છે.