વાપીમાં GIDC વિસ્તારમાથી મોરાઈમાં નદીને મળતી અંદાજીત 8 કિલોમીટર લાંબી બીલખાડીમાં ઔદ્યોગિક એકમોના અને રહેણાંકના ગંદા તેમજ કેમિકલ યુક્ત પાણી, ભંગારનો કચરો, રહેવાસીઓનાં ખાડી પરના દબાણોને કારણે છીછરી બની ગઈ હતી. જેમાં વર્ષ 2017માં ભારે વરસાદ આવતા બીલખાડીનું પાણી આસપાસના રહેણાંક વિસ્તારમાં ઘુસી આવ્યું હતુ, અને મોટાપાયે જાનમાલની તારાજી સર્જી હતી.
તો બીલખાડીના આ રૌદ્ર રૂપ બાદ કલેકટરે તાકીદના ધોરણે બીલખાડીના શુદ્ધિકરણનો પ્રોજેકટ હાથ ધર્યો હતો. જેમાં GIDCમાંથી ઔદ્યોગિક એકમોના કેમિકલયુક્ત પાણીને બંધ કરાવી ખાડી પર જેટલા દબાણો હતા તેના પર બુલડોઝર ફેરવી ખાડીને પહોળી કરવાની કામગીરી હાથ ધરી હતી. પ્રથમ તબક્કામાં દબાણો દૂર કરી 20 મીટરની પહોળાઈ સાથે બંને તરફ સિમેન્ટ કોન્ક્રીટ કામગીરી, માટીકામની કામગીરી દમણગંગા નહેર વિભાગે હાથ ધરી હતી.
આ પ્રોજેકટ અંગે દમણગંગા નહેર વિભાગના ડેપ્યુટી કાર્યપાલક ઈજનેર ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, બીલખાડીની કુલ લંબાઈમાંથી 1500 મીટર સુધીની લંબાઈમાં સિમેન્ટ કોન્ક્રીટ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમજ હાઇવે સુધીની એટલી જ લાંબી માટીકામની કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. તો કુલ લંબાઈ પૈકી પ્રથમ તબક્કાની કામગીરી હાલમાં પૂર્ણ થઈ છે. જે માટે અંદાજીત 8.5 કરોડનો ખર્ચ થયો છે. હાલમાં આ ખાડીમાં માત્ર રહેણાંક વિસ્તારોનું ઇનલેટ પાણી છોડવાની મંજૂરી છે. જ્યારે પહેલા ખાડીમાં કંપનીઓનું કેમિકલયુક્ત પાણી પણ છોડવામાં આવતું હતું. તો આસપાસના લોકોએ મોટાપાયે દબાણ કર્યું હતું જેથી ખાડી ખુબજ સાંકળી થઈ ગઈ હતી. હવે તે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 2017માં ચોમાસામાં તારાજી સર્જ્યા બાદ વલસાડ કલેકટરે વિવિધ વિભાગો સાથે સંકલન સાધી બીલખાડીને પહોળી કરવાનું અને તેમાં ભરાયેલા કાદવ કિચડને ઉલેચી સ્વચ્છ બનાવવાનું અભિયાન હાથ ધર્યુ હતું. આ અભિયાનને પ્રતાપે આ વખતે ગુંજન, છરવાડા, છીરી, બલિઠા, સલવાવ સહિતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને હાલ કરી હોવાનો આશાવાદ સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યાં છે. જો કે હજુ ચોમાસુ પણ માંડ જામ્યું છે. ત્યારે, બીલખાડીની કામગીરી કેટલી લેખે લાગી તે તો ચોમાસાના ભારે વરસાદ બાદ જ જોવા મળશે