સુરત : ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે માત્ર વિદ્યાર્થીઓએ તૈયારી કરી નથી, પરંતુ સુરત લાજપોર મધ્યસ્થ જેલના 27 કેદીઓએ પણ રાત દિવસ પરીક્ષા માટે મહેનત કરી છે. સુરત જેલના 27 કેદીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. આ માટે તેઓએ છેલ્લા આઠ મહિનાથી શૈક્ષણિક તૈયારીઓ પણ કરી છે. આ માટે જેલ તંત્ર દ્વારા વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. કેદીઓને જેલમાં રહીને તેમને અનુભૂતિ થઈ છે કે તેમની દ્વારા કરવામાં આવેલા કૃત્ય એ સમાજ માટે અને તેમના માટે યોગ્ય નથી. ત્યારે 27 જેટલા કેદીઓ પરીક્ષા આપી પોતાનો ઉજ્વળ ભવિષ્ય બનાવવા માટે તત્પર બન્યા છે.
ભવિષ્ય માટે ઉપયોગી : જેલમાં કેદી તરીકે જેલવાસ ભોગવી રહેલા સુભાષ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તે ધોરણ 10ની પરીક્ષા માટે છેલ્લા સાત મહિનાથી તૈયારીઓ કરી રહ્યો છે. તે પોલીસ બનવા માંગે છે. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તે ભણી શક્યો ન હતો. જેલની અંદર જે શૈક્ષણિક તાલીમ આપવામાં આવી રહી છે અને શાળા બનાવી જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તે તેના ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.
ગુનાહિત કાર્ય માટે અફસોસ : અન્ય કેદી પ્રશાંત નાયકે જણાવ્યું હતું કે, ધોરણ 12ની પરીક્ષા માટેની તૈયારી આઠ મહિના પહેલાથી જ શરૂ કરી દીધી હતી. શિક્ષણ ઓછું હોવાના કારણે તે ગુનાહિત કાર્ય કરવા શરૂ કરી દીધું હતું. જ્યારે જેલમાં આવ્યો, ત્યારે તેને ખબર પડી કે શિક્ષણની કેટલી જરૂરિયાત હોય છે. આજે ગુનાહિત કાર્ય માટે તેને અફસોસ છે અને આગળ આવું કાર્ય ન કરવા માટે તે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો : Board Exam: વિદ્યાર્થીઓ સાવધાન! બોર્ડની પરીક્ષામાં કંઈ પણ ચાલાકી કરી તો થશે કડક કાર્યવાહી
100 ટકા પરિણામ લાવશે : જેલ સુપ્રિટેન્ડેન્ટ એમ.એન.રાઠોડે જણાવ્યું હતું કે, જેલના દરેક કેદીઓના પુન સ્થાપન માટે તાલીમ આપવા માટે અમે અગ્રેસર રહીએ છીએ. આ વખતે જે ધોરણ 12 અને 10ની પરીક્ષા લેવામાં આવનાર છે. તેમાં લાજપોર મધ્યસ્થ જેલના ધોરણ 10માં 14 અને ધોરણ 12માં 13 કેદીઓ પરીક્ષા આપવાના છે. જેનું મુખ્ય ઉદ્દેશ્ય કેદીઓને વ્યવસાય તાલીમ અને શૈક્ષણિક તાલીમ આપવાનો છે. જેથી તેઓ આ તાલીમ મેળવીને બહાર જઈ પુન સ્થાપન કરી શકે અને પગભર બની શકે. છેલ્લા આઠ મહિનાથી બોર્ડની પરીક્ષા માટે અમે શૈક્ષણિક કાર્ય કરાવી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે ધોરણ 10 અને 12ના જે 27 કેદીઓ છે તેઓ 100 ટકા પરિણામ લાવશે.