મૂળ મહારાષ્ટ્રના વતની યશવંત પોનીકર પરિવાર સાથે રહેતા હતા. તેઓ સવારે બાઈક પર બે પુત્ર ભાવેશ, ભુપેન્દ્ર અને અન્ય ભત્રીજા સાહિલને લઈને પાલિકાની સ્કૂલમાં મૂકવા જઈ રહ્યા હતા. આ દરમિયાન આગળથી આવી રહેલી સિટી બસે બાઇકને અડફેટે લીધુ હતુ.
આ ઘટનામાં પિતા સહિત 1 પુત્ર તેમજ ભત્રીજાનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા પુત્રને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ સિટી બસનો ચાલક ઘટના સ્થળથી ફરાર થઈ ગયો. ઘટના દરમિયાન બસમાં સવાર મુસાફરો પણ તાત્કાલિક બહાર ઉતરી ગયા હતા. ઘટનાના પગલે મુસાફરોના જીવ પણ ટાળવે ચોંટી ગયા હતા.
જો કે, પોલીસે બસ ચાલકની અટકાયત કરી હોવાની જાણકારી પણ સામે આવી છે. પોલીસે સિટી બસને પણ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. નિયમ કે ગાઈડલાઈનના અભાવે સિટી બસના ચાલકોને છૂટો દૌર મળી ગયો છે. અગાઉ પણ આવા જ એક એકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો, ત્યારે આ ઘટનાઓ અટકાવવા તંત્ર દ્વારા ડ્રાઈવરો માટે ચોક્કસ નિયમો લાગુ કરવામાં આવે તેવી માગ પ્રબળ બની છે.