સુરત: ગુજરાતમાં હાલ એક ઈસરોના કથિત વૈજ્ઞાનિક ચર્ચામાં છે. આ કથિત વૈજ્ઞાનિકનું નામ મિતુલ ત્રિવેદી છે અને એમનો દાવો છે કે હાલ જે ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર ઉતર્યું છે તેના લેન્ડર વિકમ અને રોવર પ્રજ્ઞાનની ડિઝાઇન તેઓએ બનાવી છે અને તેઓ ઈસરોના ડિઝાઇન વિભાગમાં કાર્યરત છે. પરંતુ તેમના આ દાવાને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા છે. ગુજરાતમાં સ્થાપિત ઈસરોના વૈજ્ઞાનિકો તેમને ઓળખતા નથી અને શું તેઓ ઈસરોના હેડ ક્વાર્ટર બેંગ્લોરના વૈજ્ઞાનિક છે કે નહીં તેને લઈને પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે.
સંશયભર્યો દાવો : સુરતના અનેક મીડિયામાં પોતાને ઈસરોના વૈજ્ઞાનિક તરીકે પરિચય આપી ચંદ્રયાન ત્રણની ડિઝાઇન પોતે તૈયાર કરવાની વાત કરનારના કથિત વૈજ્ઞાનિક અને લઈ હાલ ગુજરાતભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે. સુરતના મિતુલ ત્રિવેદી ઈસરોના વૈજ્ઞાનિક છે કે નહીં તે અંગે મોટો પ્રશ્ન છે. કારણ કે તેઓની પાસે કોઈપણ પુરાવો નથી કે જેનાથી તેઓ સાબિત કરી શકે કે તેઓ ઈસરોના વૈજ્ઞાનિક છે અને ચંદ્રયાન 3 ની ડિઝાઇન તેઓએ તૈયાર કરી છે. મીડિયા ડિબેટમાં પોતાને વૈજ્ઞાનિક હોવાનો દાવો કરનાર મિતુલ ત્રિવેદીને લઈ દેશભરના વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. કારણ કે મિતુલ ત્રિવેદી પોતે ગુજરાતના ઇસરોના વૈજ્ઞાનિકો પણ ઓળખતા નથી.
સુરત પોલીસ કમિશનર કચેરીએ તેડું : પોતાને વૈજ્ઞાનિક કહેતાં મિતુલ ત્રિવેદીને સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે બોલાવવામાં પણ આવ્યા હતાં અને તેઓ સાંજે ચાર કલાકે પહોંચી પણ ગયા હતા. પરંતુ મીડિયાના કોઈપણ પ્રશ્નના ઉત્તર તેઓ આપવા તૈયાર નહોતા. તેઓ સાચે વૈજ્ઞાનિક છે કે નહીં તે અંગે પણ તેઓ કશું કહેવા તૈયાર નહોતા. એક દિવસ પહેલા ચંદ્રયાનના જે પણ ડિઝાઇનની વાતો પોતાને વૈજ્ઞાનિક તરીકે મૂકી તેઓ જણાવી રહ્યા હતા તે વિવાદ સર્જાયા બાદ એક પણ અક્ષર બોલવા તૈયાર નહોતા. માત્ર એટલું જણાવ્યું હતું કે હું અહીંયા કોન્ટ્રા્ક્ટની કોપી આપવા આવ્યો છું. જોકે પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા બાદ તેઓ એક પણ પ્રશ્નના ઉત્તર આપ્યા વગર જ્યારે મુખ્ય કચેરી પહોંચ્યા ત્યારે પોલીસ કમિશનરને મળી પણ શક્યા ન હતા અનેપોલીસ કમિશનર કચેરીથી નીકળી ગયા હતા.
હાલ જે વિવાદ સર્જાયો છે તેને ધ્યાનમાં રાખી જે પણ ડોક્યુમેન્ટ છે હું તમામ મીડિયા હાઉસને પહોંચાડી દઈશ. જે પણ સચ્ચાઈ છે તે સામે આવશે. આજે ન્યૂઝ પેપરમાં જણાવવામાં આવ્યું છે કે હું ફેક છું. હું તેને સ્વીકારતો પણ નથી અને ઇનકાર પણ નથી કરતો. મારી તરફથી જે ડોક્યુમેન્ટ છે તે મોકલી આપવામાં આવશે અને વિવાદ પૂરો થઈ જશે. હું સ્પેસ ક્રાફ્ટમાં કાર્યરત છું. તમે મને ફરીથી એક જ પ્રશ્ન વારંવાર નહીં પૂછો. એકવાર વિવાદ પૂર્ણ થાય ત્યાર પછી જ આ અંગે ચર્ચા કરીશ...મિતુલ ત્રિવેદી (કથિત વૈજ્ઞાનિક )
ઈસરોમાં વર્ષ 2012થી જોડાયેલો છું : જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમારી ડિગ્રી અને ભણતર ક્યાં સુધી છે ત્યારે તેઓ આ અંગે કશું પણ કહેવા તૈયાર નહોતા. મીડિયાને હું ડોક્યુમેન્ટ્સ આપી દઈશ ત્યારે તમામ વસ્તુઓ સ્પષ્ટ થઈ જશે. હું ઈસરોમાં વર્ષ 2012થી જોડાયેલો છું અને તેના ડિઝાઇનિંગ વિભાગમાં કાર્યરત છું. હું અત્યારે કોઈપણ વધારે વિગત આપવા માટે તૈયાર નથી જ્યાં સુધી વિવાદ પૂર્ણ ન થાય ત્યાં સુધી અન્ય વિગતો હું આપી શકીશ નહીં.
તમામ ડોક્યુમેન્ટ્સ આપી દઈશ : તમને ફેક શા માટે કહેવામાં આવી રહ્યાં છે તે અંગે તેઓએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક મિસ કમ્યુનિકેશન થયું છે. મારી તરફથી જે ડોક્યુમેન્ટસ આપવામાં આવશે તેનાથી સ્પષ્ટતા થઈ જશે. હું માત્ર આટલુ જ કહેવા માંગીશ કે હું બેંગ્લોર ઈસરો સાથે જોડાયેલો છું. એ પણ વિગત છે હું ત્યાં પણ ફોરવર્ડ કરી રહ્યો છું. ત્યાંથી પણ જાણકારી મીડિયાને મળી જશે.
કોઈપણ ગોપનીય વાત મીડિયા સમક્ષ કરી નથી : ચંદ્રયાન ત્રણથી જોડાયેલી અનેક વિગતો મીડિયા સમક્ષ રજૂ કરવા માટે તેઓએ જણાવ્યું હતું કે જે વિગતો હું મીડિયા સમક્ષ રજૂ કરી રહ્યો છું તેમાં એવી કોઈપણ વિગત નથી કે જે અત્યંત ગોપનીય હોય. સાથે જે વાત હું કરી રહ્યો છું તે વાત છેલ્લા એક મહિનાથી ટીવી પર અને સોશિયલ મીડિયામાં વાયરલ જ છે. રિસર્ચ સાથે ક્યારથી જોડાયેલો છું તે અંગે કહેવું મુશ્કેલ છે, પરંતુ એજ્યુકેશન પૂર્ણ કર્યા બાદથી જે રિસર્ચ ક્ષેત્રમાં કાર્યરત છું.
હું ફર્જી નથી : અત્યારે ચંદ્રયાન ત્રણ ચંદ્રની સપાટી પર ઉતરવાનો હતો ત્યારે તેઓ બેંગ્લોરમાં નહોતા તે અંગે તેઓએ જણાવ્યું હતું કે, આ અંગે પણ જે પણ ડોક્યુમેન્ટ્સ આપવાનો રહેશે તે આપી દઈશ. હું ટિકીટ જો ઝેરોક્ષ આપીશ તો તે પણ વાયરલ થઈ જશે આ માટે જે પણ ડોક્યુમેન્ટસ છે તે યોગ્ય સમયે આપીશ. મને ફર્જી કહેવામાં આવે છે. હું ફરજી હોત તો મારા ઘરે તાળું લાગ્યું હોત. હું માત્ર મીડિયાને જ નહીં પરંતુ મારા મિત્ર અને પરિવારના લોકો સાથે પણ સતત સંપર્કમાં છું.
1300થી વધું વૈજ્ઞાનિકો સામેલ હતા : VSSC PRO કહે છે કે, ચંદ્રયાન 3 માં 1300 થી વધુ વૈજ્ઞાનિકો સામેલ હતા. ઈસરોએ તેના તમામ કર્મચારીઓને આવા દાવાઓમાં સામેલ ન થવા માટે સ્થાયી સૂચના જારી કરી છે. માત્ર 10 ટોચના વૈજ્ઞાનિકોને મિશન વિશે મીડિયાને સંક્ષિપ્ત કરવાની મંજૂરી છે. તો તેણે કહ્યું કે તેમાંથી 95 ટકા નકલી હશે.
- CHANDRAYAAN 3 News: ચંદ્રની સપાટી પર ઉતરેલા રોવર પ્રજ્ઞાનનો રોમાંચક વીડિયો જાહેર થયો
- ISRO Shares Video Of Moon : વિક્રમ લેન્ડરના ઉતરાણ પહેલાનો ઈસરોએ જાહેર કર્યો વીડિયો, કંઇક આવો દેખાય છે ચંદ્ર
- Chandrayaan 3 Landed : લેન્ડર જ્યાં લેન્ડ થવાનું હતું ત્યાં લેન્ડ થયું, શક્ય છે કે પ્રજ્ઞાન 14 દિવસ પછી પણ કામ કરી શકશે