બારડોલી : દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણમાં શુક્રવારના રોજ પકડાયેલા પોલીસ કોન્સ્ટેબલ વિજય શિંદેને શનિવારે સાંજે માંડવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રોજ નવો વળાંક આવી રહ્યો છે. જેમાં ગતરોજ શુક્રવારે પકડાયેલા પોલીસ કોન્સ્ટેબલ વિજય શિંદે અન્ય આરોપી રાજુ ભરવાડ સાથે CCTVમાં નજરે પડી રહ્યો છે. બંને દુર્લભ પટેલને તેમના ઘરે જઈને ત્રાસ આપતા હોવાનું CCTVમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બીજી તરફ માંડવી કોર્ટ દ્વારા વિજય શિંદેના ગુરુવાર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
કોર્ટે 1 ઑક્ટોબર એટલે કે ગુરુવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. વિજય શિંદે દુર્લભ પટેલ અને તેમના પરિવારના ઘરે જઈને ધમકી આપતા હોવાના CCTV ફૂટેજ પોલીસ તપાસમાં સામે આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં બે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા બાદ ગતરોજ પકડાયેલા પોલીસ કોન્સ્ટેબલ વિજય શિંદેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેને માંડવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, દુર્લભભાઈને દુષ્પ્રેરણા આપવામાં વિજય શિંદેની પણ મહત્વની ભૂમિકા રહેલી છે. આરોપીએ દુર્લભભાઈ પાસે જમીનના દસ્તાવેજ પર દાબદબાણથી સહી કરાવી હતી. આ ઉપરાંત ગત 13મી ફેબ્રુઆરી 2020ના રોજ વિજય અન્ય આરોપી રાજુ ભરવાડ સાથે દુર્લભભાઈના ઘરે પણ શિંદે ગયો હતો. જે તેમના ઘરના CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે.