શહેરના વરાછા મેઇન રોડ પર ખાંડબજાર ગરનાળા પાસે બેન્ક ઓફ બરોડાની બેન્ક આવેલી છે. આ બેન્કમાં દિપેશ નાનુભાઇ પટેલ નવેમ્બર 2018થી કેશિયર તરીકે નોકરી કરે છે. દિપેશ બેન્કમાં ગ્રાહક દ્વારા જમા થતાં રૂપિયા સ્વીકારવાનું અને ગ્રાહકોને રુપિયા આપવાનું કામ કરતો હતો.
ઉપરાંત ગ્રાહકો દ્વારા જમા થતાં રુપિયા સેફ ડિપોઝીટ વોલ્ટમાં મુકવાનું પણ કામ કરે છે. જેનો લાભ ઉઠાવીને લાખો રુપિયાની ગોલમાલ કરી હતી. તે સમયે બેન્કના ચીફ મેનેજર બેન્કમાં ઇન્સપેક્શન માટે આવ્યા હતા. બેન્કના ચીફ મેનેજર દ્વારા સેફ ડિપોઝીટ વોલ્ટના કરાયેલા ઇન્સપેક્શનમાં અસલી ચલણી નોટોના સ્થાને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા નામની નકલી નોટો સામે આવી હતી. જે જોતા મેનેજરે તાત્કાલિક આ મામલે કડક પૂછપરછ હાથ ધરી હતી અને જેમાં આ નોટોની અદલ-બદલ કરવાની કબુલાત પણ થઇ હતી.
બેન્કની બહાર લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ તો જોતા આવ્યા છીએ પરંતુ બેન્કમાં જ કર્મચારી દ્વારા ખેલ ખેલાયો કુલ 36.52 લાખની અસલી ચલણી નોટો કાઢીને તેના સ્થાને દિપેશ ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયાની નકલી નોટો મુકી દીધી હતી. બેન્કના મેનેજર રમણ મહેતાએ કેશિયર દિપેશ પટેલ વિરૂદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે વરાછા પોલીસે દિપેશની ધરપકડ કરી અને બે દિવસના રિમાન્ડ પર મેળવ્યા હતા. આ તપાસમાં જાણવા મળ્યું કે, દિપેશે એક ફ્લેટ ખરીદ્યો, તેમાં થોડું પેમેન્ટ બેન્કમાં બદલેલી નોટથી કર્યું હતું.