સુરતઃ બારડોલી તાલુકાના મઢી ગામે ચંપા ફળિયામાં રહેતા શશીકાંત ધનસુખભાઈ પરમાર રવિવારે સવારે 11માં ધોરણમાં અભ્યાસ કરતી પોતાની પુત્રી ઉર્વીને ટયુશને મુકવા માટે અર્ટીગા કાર લઈને ગયા હતા. આ સાથે 9માં ધોરણમાં અભ્યાસ કરતો નાનો પુત્ર યશ (13) પણ હતો. તેઓ ઉવા નહેરના લુહારઘાટ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી એક બાઇક આવતા ચાલક શશીકાંતભાઈએ કાબુ ગુમાવી દેતા તેમની કાર નહેરમાં ખાબકી હતી.
નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી શશીકાંતભાઈએ બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તરતા આવડતું ન હોવાથી તેમનો પ્રયાસ નાકામ રહ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ કારમાંથી ઉર્વી અને યશના મૃતદેહ મળી આવ્યાં હતાં. જ્યારે નહેરમાં શોધખોળ બાદ બપોરે શશીકાંતનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.