સુરતના ઘોડદોડ વિસ્તાર નજીક આવેલા સરકારી શાળાના ગ્રાઉન્ડમાં સોમવારે મોટી સંખ્યામાં સુરત શહેરના કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગ બાળકો અને સરકારી શાળાના ભુલકાઓ પતંગ ચગાવવા એક જ સ્થાને ભેગા થયા હતા. તમામ વિદ્યાર્થીઓ પાસે એક સરખી પતંગ હતી અને આ પતંગ દ્વારા સંદેશ આપવામાં આવી રહ્યો હતો. આ પતંગની થીમ CAA સમર્થન વિશે રાખવામાં આવી છે. CAA સમર્થનમાં આવા અનેક પતંગો આકાશમાં ચગાવવામાં આવી રહ્યા હતા.
સુરતના યુવા ગુજરાત સંસ્થા દ્વારા ખાસ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ દેશમાં CAAના વિરોધમાં રેલી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે યુવા ગુજરાત સંસ્થાએ CAAના સમર્થનમાં આ ખાસ પ્રસંગ ઉત્સવનું આયોજન કર્યું હતું. જેના પ્રમુખ મોનિલ ઠક્કરે જણાવ્યું હતું, દેશના લોકો CAA કાયદાની સાથે છે અને આ મેસેજ વધારે લોકો સુધી પહોંચે આ માટે ઉત્તરાયણના ખાસ પર્વ પર પતંગના માધ્યમથી આ સંદેશ અન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.