સુરત : ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા નવેમ્બર 2023 માં લેવાયેલ CA ફાઇનલ અને ઇન્ટરમિડીયેટની વિવિધ ગ્રુપની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. આ વખતે CA ફાઇનલ્સના પરિણામમાં ટોપ 50 રેન્કમાં સુરતના ચાર સીતારા ચમક્યા છે. જ્યારે ઇન્ટરમીડીયેટ પરીક્ષામાં સુરતના ઋષિ મેવાવાલાએ ઓલ ઈન્ડિયા 3rd રેન્ક પ્રાપ્ત કરી દેશભરમાં ગુજરાત અને સુરતનું ગૌરવ વધાર્યું છે.
સૌથી મુશ્કેલ કોર્સ-CA : CA ફાઇનલ અને ઇન્ટરમિડીયેટ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ સુરતના વિદ્યાર્થીઓ દેશભરમાં છવાઈ ગયા છે. કારણ કે આ વખતે CA ફાઇનલમાં સુરતના ચાર તારલા અને રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ટરમિડીયેટમાં સુરતના બે વિદ્યાર્થીઓ ઝળકી ઉઠ્યા છે.
સુરતના બે તારલા દેશભરમાં ચમક્યા : CA ઇન્ટરમિડીયેટ પરીક્ષાના પરિણામો જાહેર થયા છે. જેમાં સુરતના ઋષિ મેવાવાલાએ ઓલ ઈન્ડિયા રેન્કમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી સુરત સહિત ગુજરાતને દેશભરમાં ગૌરવ અપાવ્યું છે. જ્યારે સુરતના સ્મિત પરમારે 43 મો રેન્ક મેળવીને સુરતનું નામ રોશન કર્યું છે.
સુરતના ઋષિ મેવાવાલાએ ETV BHARAT સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે, ઇન્ટરમીડિયેટમાં 800 માંથી 668 ગુણ મેળવ્યા છે. સુરતમાં પ્રથમ અને ગુજરાતમાં બીજા ક્રમે છું. સોશિયલ મીડિયા સાથે મેં ભણવાનું સતત ચાલુ રાખ્યું હતું. પરિવારમાં પિતા ટેક્સટાઈલ ઉદ્યોગમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી તેથી સાયન્સમાં એડમિશન લીધું નથી. કોમર્સ લઈને સીએ બનાવવાનું લક્ષ્ય બનાવ્યું હતું.
ગુજરાતનું ગૌરવ : CA ફાઇનલ પરીક્ષાના પરિણામોમાં સુરતના દેવાંશુ ગોયલે સુરતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. દેવાંશે CA ફાઉન્ડેશનમાં 28 ક્રમ મેળવ્યો હતો અને ઇન્ટરમીડિયેટમાં 17 મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આવી જ રીતે ઓલ ઇન્ડિયા 17 મો રેન્ક હાંસલ કરનાર સુરતની પ્રિયા શાહને પણ પરિવાર અને મિત્રો સહિત શહેરભરમાંથી શુભેચ્છાની વર્ષા થઈ રહી છે. તેણીએ ફાઇનાન્સમાં 800 માંથી 562 અંક પ્રાપ્ત કર્યા છે. પ્રિયાના પિતા જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.
પ્રિયા શાહે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાથી જ તેને સોશિયલ મીડિયા પર તમામ એકાઉન્ટ બંધ કરી દીધા હતા. માત્ર વ્હોટ્સએપ જ ચાલુ હતું. દિવસ દરમિયાન તેણે લક્ષ્ય રાખ્યું હતું કે કેટલું ભણવાનું છે, જ્યાં સુધી લક્ષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તે ભણવાનું ચાલુ રાખતી હતી. સંપૂર્ણ સિલેબસનું ત્રણ વાર રિવિઝન કર્યું હતું.