બારડોલી: સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે પુત્રીની ઘાતકી હત્યા કર્યાની ઘટના સામે આવી છે. હેવાન બનેલા પતિએ પત્ની ઉપર જીવલેણ હુમલો કર્યા બાદ પુત્રીને મોતને ઘાટ ઉતારી હતી. હત્યા કરવાના પ્રકરણમાં પિતાની ધરપકડ કરી સીસીટીવી ફૂટેજ કબ્જે લેતા ફૂટેજમાં ઘાતકી પિતાની હેવાનિયત સામે આવી છે.
પોલીસે મોડી રાત્રે જ આરોપીને દબોચી લીધો: ઘટનાની જાણ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી પતિ રામાનુજે પત્ની રેખાદેવી પર હુમલો કરવા જતાં બચાવવા પડેલી પુત્રી ચંદાકુમારીની ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હેવાન બાપે ચપ્પુના 25 જેટલા ઘા માર્યા હતા. કડોદરા પોલીસે ચપ્પુ લઈ ફરાર થયેલા રામાનુજની બાતમીના આધારે ગતરોજ મોડી રાત્રે જોળવાથી કડોદરા તરફ જતાં રોડ પરથી ઝડપી લીધો હતો અને તેની પાસેથી લોખંડનો છરો કબ્જે લીધો હતો.
સીસીટીવી ફૂટેજ કબ્જે: પોલીસ ઘટનામાં તપાસ દરમ્યાન ઈશ્વરભાઈની બિલ્ડીંગમાં સીસીટીવી ફૂટેજ કબ્જે લીધા છે. જે સીસીટીવી ફૂટેજમાં હત્યાના દ્રશ્યો ભયાનક જણાય રહ્યા છે. હેવાન બનેલા રામાનુજે પત્નીના હાથના આંગળામાં ગંભીર ઇજા પહોંચડ્યા બાદ પુત્રી ચંદાકુમારી પર તૂટી પડ્યો હતો. 20 જેટલા ઘા રૂમની આગળની ગેલેરીમાં જ માર્યા હતા અને ત્યારબાદ ચંદાકુમારી રૂમમાં પહોંચી ગઈ હોય ત્યાં જઈને પણ ઉપરાછાપરી ઘા કર્યા હતા. આ ઘટના જોઈ છત પર ભાગી છૂટેલી તેની પત્ની રેખા દેવી પાસે પહોંચ્યો હતો. બિલ્ડીંગના માણસો એકત્રિત થઈ જઇ રામાનુજને આંતરવાનો પ્રયાસ કરતાં આખરે તે ત્યાંથી ચપ્પુ લઈને ભાગી છૂટ્યો હતો. સીસીટીવી ફૂટેજના દ્રશ્યો હચમચાવી નાખે તેવા છે.
પત્નીનો જીવ બચ્યો: હેવાન બનેલા પિતા રામાનુજ માતા અને બહેન ઉપર છરો લઈને તૂટી પડ્યો હોય ત્યારે મૂકબધિર સુરજ પિતાને રોકવા માટે વચ્ચે પડ્યો હતો. ઉપરાછાપરી રામાનુજ પત્ની અને પુત્રી ઉપર છરાના ઘા કરતો હતો ત્યારે પોતાના જીવની પરવાહ કર્યા વગર સુરજ પિતાને બાથમાં લઈને એક સમયે જમીન ઉપર પાડી પણ દીધો હતો. જો કે નાનો બાળક બહેનને બચાવવામાં સફળ રહ્યો ન હતો પરંતુ બહેનની ઉપર ગંભીર હુમલો કરવા જતો હતો ત્યારે તેની પાછળ જઈ ફરી એક વાર પિતાને આંતરી લીધા હતા અને આ દરમ્યાન બિલ્ડીંગના રહીશો આવી જતાં માતા રેખા દેવીનો જીવ બચી ગયો હતો.