બારડોલી : બારડોલીના અવધૂતનગર નજીક આવેલું ગરનાળું નવું બનાવવાનું હોવાથી પાલિકા દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું. ખાડી પર બોક્સ ડ્રેનેજની કામગીરી શરૂ કર્યા બાદ ગરનાળા માટેની કોઈ કામગીરી હાથ ન ધરાતાં સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગરનાળું તોડી નાંખવામાં આવતાં આજુબાજુની સોસાયટીના રહીશોએ સ્ટેશન રોડ પર જવા માટે 2થી 3 કી.મીનો ચકરાવો લગાવવો પડી રહ્યો છે. જેથી બારડોલી નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે આ ગરનાળું બનાવી સોસાયટીના રહીશોની મુશ્કેલી દૂર કરે એ જરૂરી બન્યું છે.

મળતી માહિતી અનુસાર બારડોલીના અવધૂતનગર સોસાયટી નજીક આવેલા વર્ષો જૂનું ગરનાળું કોન્ટ્રાકટર દ્વારા તોડી નાંખવામાં આવ્યું છે. આ ગરનાળું છેલ્લાં 6 મહિના અગાઉ તોડી નાંખવામાં આવ્યું છે. જેથી આજુબાજુની 7થી 8 સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે. આજુબાજુની સોસાયટીના રહીશો સ્ટેશન રોડ ઉપર જવા માટે અવધૂત નગરથી જે.પી.નગર થઈ સ્ટેશનરોડ જવા માટે ઉપયોગ કરતાં હતા. અને આ ગરનાળાને લઈ લોકોને 2થી 3 કી.મી. નો ફેરાવો ઓછો થતો હતો. ઘણા વર્ષો અગાઉ સોસાયટીના રહીશોને અવરજવરમાં મુશ્કેલી હતી એટલે પાલિકા દ્વારા જ ગરનાળું બનાવવામાં આવ્યું હતું.
પરંતુ નવું ગરનાળું બનાવવા માટે પાલિકા દ્વારા આ ગરનાળું તોડી નાંખવામાં આવ્યા બાદ કોઈ કામગીરી હાથ ન ધરાતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી બારડોલી નગરપાલિકા તંત્ર જરૂરી રસ દાખવી યોગ્ય કામગીરી કરે એ જરૂરી બન્યું છે.