સુરત : વરાછામાં કર્મકાંડ કરતાં બ્રાહ્મણ રમેશ જાની હિન્દુ ધર્મશાસ્ત્રનોની જાણકારી રાખે છે. શ્લોક અને મંત્રોચ્ચારમાં તેઓ પારંગત છે. તેમ છતાં 37 વર્ષની ઉંમરે તેઓ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે. જે ક્ષેત્રથી તેઓ જોડાયેલા છે. તેમાં તેઓ નિપુણ હોવા છતાં બાળકોને હોમવર્ક કરાવવા માટે તેઓ આ ઉંમરે ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે.
પરિવાર અભ્યાસ ન કરી શક્યું : સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા યોગીચોક નજીક રહેતા બ્રાહ્મણ અને કર્મકાંડ કરતા રમેશ જાની હાલના દિવસોમાં લોકોને કર્મકાંડ અને પૂજા કરાવવાની બદલે ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે. તેમની ઉંમર 37 વર્ષ છે, પરંતુ પોતાના બાળકો માટે તેઓએ ધોરણ 10ની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. રમેશ જાનીને એક દીકરાને બે દીકરીઓ છે. રમેશ જાનીના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. જેના કારણે તેઓ માત્ર ધોરણ 9 સુધી જ ભણ્યા હતા. માત્ર માત પિતા જ નહીં, પરંતુ તેમની ત્રણ બહેન અને બે ભાઈ પણ ભણી શક્યા ન હોતા.
કર્મકાંડની તમામ જાણકારી : આજીવિકા ચલાવવા માટે તેઓએ બ્રાહ્મણ બનવા માટે શિક્ષા લેવાની શરૂઆત કરી. સૌથી પહેલા તેઓએ પોતાના માતા પિતા પાસેથી કર્મકાંડ અંગે તમામ જાણકારી મેળવી અને વિધિ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. તેઓએ સંસ્કૃત પાઠશાળામાં કર્મકાંડ તેમજ જ્યોતિષશાસ્ત્ર અંગે અભ્યાસ પણ કર્યો છે. તેઓ મંત્રોચ્ચાર કરે છે, ત્યારે લોકો જોતા રહી જાય છે. તેમ છતાં તેઓ ધોરણ 10ની પરીક્ષા હાલ આપી રહ્યા છે. કારણ કે, તેમના ત્રણ બાળકો છે અને તેઓ ઓછું ભણેલા હોવાથી બાળકોને અભ્યાસમાં મદદરૂપ બનવા માટે તેઓ ધોરણ 10ની પરીક્ષા આપવાનો વિચાર કર્યો છે.
આ પણ વાંચો : Board Exam 2023 : પરિવાર અને સમાજના વિરોધ વચ્ચે પત્નીને બોર્ડની પરીક્ષા અપાવતો પતિ
બાળકો માટે પરીક્ષા આપી રહ્યો છું : રમેશ જાનીએ જણાવ્યું હતું કે, 22 વર્ષ પહેલા એટલે 2001માં ભણવાનું છોડી દીધું હતું. ધોરણ પાંચમાં ભણતી મારી દીકરીએ કહ્યું હતું કે, તમે હાલ મને ભણવામાં મદદ કરી શકતા નથી. તો જ્યારે હું મોટી ક્લાસમાં જઈશસ ત્યારે તમે મને ભણવામાં કેવી રીતે મદદ કરશો ? ત્યારે મને વિચાર આવ્યો કે મારા બાળકોના ભણતરમાં હું મદદરૂપ અને માર્ગદર્શન આપી શકું આ માટે મારે પણ ભણવાની જરૂર છે. 22 વર્ષ બાદ હું ધોરણ 10ની પરીક્ષા આપવા જઈ રહ્યો છું.
આ પણ વાંચો : Board Exam : ઓખા મરીન પોલીસ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને અંતર્ગત કરી અનોખી પહેલ
દીકરી ભણવા માટે ટેકનીક બતાવે છે : સાથે તેઓએ જણાવ્યું હતું કે, 22 વર્ષ બાદ પરીક્ષા આપવી એ ખૂબ જ અદભુત અનુભવ છે. મારા દીકરા દીકરીને હું ભણાવી શકું આ માટે હાલ હું ભણી રહ્યો છું. મારા ભણતરમાં મારા બાળકો મારી મદદ કરે છે. ધોરણ બેમાં ભણતી મારી નાની દીકરી મને કઈ રીતે ભાષા અને મુદ્દાઓ યાદ રાખવા તેની ટેકનીક પણ શીખડાવે છે.