સુરત : સુરતમાં એક મહિલા એવી છે કે જેમની ઉંમર ૩૩ વર્ષ છે અને તેમના દીકરો 17 વર્ષ અને ડિગ્રી 11 વર્ષની છે અને તે ધોરણ 12 ની પરીક્ષા આપી રહી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની ઉંમર આશરે 16 થી 18 વર્ષની હોય છે. પરંતુ કહેવાય છે કે ભણવા માટે કોઈ ઉંમર મર્યાદા હોતી નથી. આ વાત સુરતના કેટલાક પરીક્ષાર્થીઓએ સાબિત કરી છે. સુરતમાં કેટલાક આવા પણ પરીક્ષાાર્થીઓ છે કે જેઓ 12થી 15 વર્ષ પહેલા શાળા છોડી દીધી હતી અને હાલ તેઓ ધોરણ 10 અને 12 ની એક્સટર્નલ પરીક્ષા આપી રહ્યા છે.
આર્થિક પરિસ્થિતિના કારણે છોડ્યો અભ્યાસ : પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે અનેક વિદ્યાર્થીઓ એવા છે કે તેઓ ભણવાનું છોડી દેતા હોય છે. પરંતુ સુરતમાં કેટલાક આવા પણ પરીક્ષાર્થીઓ ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપી રહ્યા છે કે જેઓએ વર્ષો પહેલા આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ભણવાનું છોડી દીધું હતું. પરંતુ હાલ તેઓ ફરી એક વખત જુસ્સાભેર ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપી રહ્યા છે. આવા વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ બની રહ્યા છે. સુરતની સરકારી શાળામાં ભણાવનાર પ્રિન્સિપાલ નરેશ મહેતા ડ્રોપ આઉટ કરનાર વિદ્યાર્થીઓને ફરીથી એક વખત પરીક્ષા આપવા માટે પ્રેરણા આપે છે અને આવા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પણ નિશુલ્ક આપે છે.
આ પણ વાંચો શાળા ડ્રોપ કરનારી દીકરીઓને નિ:શુલ્ક શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે સુરતના આ શિક્ષક
પરીક્ષાર્થીઓની ઉંમર 27 થી 35 વર્ષ સુધીની : શાળા ડ્રોપ આઉટ કર્યા બાદ આશરે 12 થી 15 વર્ષ બાદ ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપનાર જરૂરિયાતમંદ પરીક્ષાર્થીઓને નિશુલ્ક ભણવવાનું નરેશ મહેતાએ શરૂ કર્યું છે. બોર્ડની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓની ઉંમર 27 થી 35 વર્ષ સુધીની છે. જેમાં કેટલીક યુવતી એવી પણ છે જે પોતાના બાળકોને ભણાવવાની સાથો સાથ બોર્ડની પરીક્ષા પણ આપી રહી છે. ડ્રોપ આઉટ થનાર તેર વિદ્યાર્થીઓ 25થી પણ વધુની ઉંમર ધરાવે છે.
સાસરા પક્ષ તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું : 33 વર્ષીય તૃપ્તિ દવેએ જણાવ્યું હતું કે, ઘરની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે ધોરણ 10 પાસ કર્યા બાદ પણ હું આગળ ભણી શકી નહોતી. જ્યારે હું 17 વર્ષની હતી ત્યારે મારા લગ્ન પણ થઈ ગયા હતા. આજે મારો દીકરો 17 વર્ષનો છે અને દીકરી 11 વર્ષની છે. હું તેમને પણ ભણાવું છું અને સાથો સાથ ધોરણ 12 ની પરીક્ષાની તૈયારી પણ કરી હતી. મારા સાસરા પક્ષ તરફથી મને જે પ્રોત્સાહન આપવામાં આવ્યું તેના કારણે હું આજે ધોરણ 12 ની પરીક્ષા આપી રહી છું. મને જાણ થઈ હતી કે નરેશ મહેતા નિશુલ્ક ડ્રોપાઉટ વિદ્યાર્થીઓ માટે ક્લાસ કરાવે છે. જેથી ઓનલાઇન ક્લાસીસ હું પણ શરૂ કર્યું હતું. રાત્રી દરમિયાન વાંચન અને વહેલી સવારે ચાર વાગે ઊઠીને હું ભણતી હતી જેથી પરિવાર માટે પણ સમય કાઢી શકું.
આ પણ વાંચો સુરતમાં ડ્રોપ આઉટ કરનારી વિદ્યાર્થીનીઓ ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષામાં ઝળકી
11 વર્ષ બાદ હવે ધોરણ 10 ની પરીક્ષા : અન્ય 26 વર્ષીય પરીક્ષાથી પાયલ દવે જણાવ્યું હતું કે શાળા છોડીને 11 વર્ષ થવા આવ્યા છે. મારો ત્રણ વર્ષનો દીકરો અને પાંચ વર્ષની દીકરી છે. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે શાળામાંથી ડ્રોપ આઉટ લીધો હતો. 11 વર્ષ બાદ હવે ધોરણ 10 ની પરીક્ષા આપી રહી છું. પિયર પક્ષ અને સાસરી પક્ષ દ્વારા મને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જોકે પરીક્ષા માટે જ્યારે તૈયારી શરૂ કરી ત્યારે શરૂઆતમાં મને ખાસી તકલીફ પડતી હતી. પરંતુ નરેશ મહેતા સરએ જે રીતે અમને ભણાવ્યું છે તેના કારણે સારી તૈયારીઓ થઈ છે.
ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ અને રીપીટરને ઓનલાઈન શિક્ષણ આપું છું : સરકારી શાળાના આચાર્ય નરેશ મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી હું ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓ અને રીપીટરને ઓનલાઈન શિક્ષણ આપું છું જેથી તેઓ ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપી શકે. આવા વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો આ વર્ષે વાત કરવામાં આવે તો ધોરણ 10 માટે 173 વિદ્યાર્થી તેમજ ધોરણ 12 માટે 97 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ઘણા એવા છે કે જેઓ પોતાના બાળકોને પણ પરીક્ષા માટે તૈયારી કરાવી રહ્યા છે અને પોતે પણ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.