- તાલુકા પંચાયતની 8 અને જિલ્લા પંચાયતની 2 બેઠકો બિનહરીફ
- તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા
- સૌથી વધુ ઓલપાડમાં જિલ્લા પંચાયત સહિત 6 બેઠકો બિનહરીફ
સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે જિલ્લા અને તાલુકા પંચાયતોની 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જેથી ભાજપમાં ખુશીનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ઘણી બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે.
ઓલપાડ તાલુકા પંચાયતની 5 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ
ઓલપાડ તાલુકામાં સૌથી વધુ 5 તાલુકા પંચાયત બેઠકો અને એક જિલ્લા પંચાયત બેઠક બિનહરીફ થઈ હતી. ઓલપાડ તાલુકા પંચાયતની પિંજરત બેઠક પર કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ ઉમેદવારી નોંધાવી નહીં શકતા પહેલાથી જ ભાજપના ઉમેદવાર નિમિષા રજનીકાંત પટેલ બિનહરીફ જાહેર થયાં હતાં, જ્યારે ઓલપાડ-1 બેઠક પર જ્યોત્સના રજનીકાંત પટેલ, અરિયાણા બેઠક પર પ્રિયંકા નિકુંજ પટેલ, દાંડી બેઠક પર જયેશ મહાદેવ પટેલ અને કદરામા બેઠક પર જશુ વસાવાના હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા બિનહરીફ જાહેર થયાં હતાં.
ચોર્યાસી તાલુકા પંચાયતની 2 બેઠકો બિનહરીફ
બીજી તરફ ચોર્યાસી તાલુકા પંચાયતની કવાસ બેઠક પર ભાજપના આસ્તિક બાબુ પટેલ અને હજીરા 1 બેઠક પર સતીશ ભગુ પટેલ બિનહરીફ જાહેર થયા છે.
બારડોલી તાલુકાની 1 બેઠક પર ભાજપ બિનહરીફ
બારડોલી તાલુકા પંચાયતમાં પણ ચૂંટણી લડ્યા વગર ભાજપના ફાળે એક બેઠક ગઈ હતી. ખોજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારીપત્ર પરત ખેંચતા વૈશાલી જીગ્નેશ પટેલ બિનહરીફ થયા હતા.
કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ થતાં પિંજરત જિલ્લા પંચાયત ભાજપે કબ્જે કરી
જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો સુરત જિલ્લા પંચાયતની ઓલપાડ તાલુકાની પીંજરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જાગુ રાઠોડનું ફોર્મ રદ્દ થતાં ભાજપના મોના નિમેશ રાઠોડ બિનહરીફ વિજેતા થયા હતા.
કામરેજ જિલ્લા પંચાયત પર કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા બિનહરીફ
આ ઉપરાંત કામરેજ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રેખા વસાવાએ મંગળવારના રોજ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર સુમન રાઠોડ બિનહરીફ વિજેતા થયા હતા.