આ અંગેનો ખુલાસો ત્યારે થયો જ્યારે એન્ટીકરપ્શનની ટ્રેપમાં સરસ ગામના મહિલા સરપંચના પતિ બ્રિજેશ પટેલ ગેરકાયદેસર ઝીંગા તળાવ ચલાવવા માટે 25 હજાર રૂપિયાની લાંચ લેતાં ઝડપાયા હતા. આ અંગે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં લાંચ ન આપવામાં આવે તો તળાવ તોડી પાડવાની ધમકી અપાઈ હતી. જો એક ઝીંગા તળાવ ચલાવવા માટે 25 હજાર રૂપિયાની માંગ થતી હોય તો અનુમાન લગાવી શકાય કે, અહીં 116થી વધુ ગેરકાયદેસર ઝીંગા તળાવ પર કેટલી લાંચ લેવાતી હશે. ગેરકાયદેસર ઝીંગા તળાવ બાબતે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ બદલાવ આવ્યો નથી.
સુરતના સાંસદ દર્શના જરદોશે પોતાના આદર્શ ગામ સરસ ગામને તરીકે વિકસિત કર્યું હતું. આ ગામમાંથી જ ગેરકાયદેસર ઝીંગા તળાવ મળી આવતા એક મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. કેટલાક મહિના પહેલા જિલ્લા કલેકટર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે, આ તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવને તોડી પાડવામાં આવે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી.
આમ, ગેરકાયદેસર રીતે ધમધમી રહેલા ઝીંગા તળાવને લઈ સ્થાનિકોમાં એક તરફ રોષ છે, તો બીજી તરફ ગેરકાયદેસર ઝીંગા તળાવ ચલાવવા માટે હપ્તાખોરી કરવામાં આવી રહી છે. જેથી ઝીંગા તળાવ એક ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયાં છે. જો આવી સ્થિતિમાં તત્કાલ તળાવો દૂર કરવામાં નહીં આવે તો આવા ગેરકાયદેસર ઝીંગા તળાવની સંખ્યા વધે શકે છે.