- બારડોલી સુગર ફેક્ટરીની સામાન્ય સભા મળી
- ગત વર્ષના અહેવાલ હિસાબને બહાલી અપાય
- સર્વાનુમતે એજન્ડાના તમામ કામો મંજૂર
સુરત: બારડોલી સુગર ફેક્ટરીની સામાન્ય સભામાં દેશમાં ખાંડ ઉદ્યોગની સ્થિતિ અંગે ઉપપ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, આપણા દેશમાં 2019-20ની પીલાણ સિઝન દરમિયાન 273.85 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે, જ્યારે આગામી 2020-21ની સિઝનમાં 311 લાખ ટન જેટલી ખાંડનું ઉત્પાદન થવાની આશા વ્યક્ત કરી હતી.
સરકારની સહાયતાથી ખાંડ ઉદ્યોગને રાહત
તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી વૈશ્વિક સ્તરે થયેલા બમ્પર ખાંડ ઉત્પાદનને કારણે ઉદભવતી કપરી સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકાર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા અને એમ.એસ.પી. જાહેર કરવામાં આવી હતી. સરકારની અસરકાર નીતિ અને નિર્ણયોને કારણે ખાંડ ઉદ્યોગમાં નાણાભીડમાં આંશિક રાહત થઈ છે.
આ પણ વાંચોઃ સુરતમાં બારડોલી સુગર ફેક્ટરીના સૂચિત ડિસ્ટીલરી પ્લાન્ટની પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ
વધુ રિકવરી વાળી શેરડીનું વાવેતર કરવા અનુરોધ
કોવિડ 19ને કારણે માનવજીવનની સાથે સાથે તમામ ક્ષેત્રોમાં મંદીનો માહોલ સર્જાયો છે. જેથી આવનારા વર્ષોમાં મોંઘવારી વધવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી હતી. ભાવેશ પટેલે સભાસદોને વધુ રિકવરી આપતી જાતોનું મહત્તમ વાવેતર કરવા માટે અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે શેરડી બળવાનું પ્રમાણ શક્ય એટલું ઘટાડવા વિનંતી કરી હતી.
બારડોલી સુગર ફેક્ટરી દ્વારા 16.83 લાખ કવિન્ટલ ખાંડનું ઉત્પાદન
2019-20ની પીલાણ સિઝન દરમિયાન સુગર ફેક્ટરી દ્વારા 15 લાખ 13 હજાર 450 મેટ્રિક ટન શેરડીનું પીલાણ કરી સરેરાશ 11.06 ટકાની રિકવરી સાથે 16 લાખ 83 હજાર કવિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું હતું.
સભાસદોએ કર્યા સૂચનો
સભામાં ઉપસ્થિત સભાસદોએ સંસ્થા માટે ફાયદાકારક પ્લાન્ટ સ્થાપવા માટે સૂચનો કર્યાં હતા. આ ઉપરાંત કેટલાક પ્રશ્નો જેવા કે અન્ય સુગર ફેક્ટરીઓમાંથી શેરડી પીલાણ માટે લાવવી, બગાસથી થતી આવકમાં ઘટાડો, રિકવરી અંગેના પ્રશ્નો કર્યા હતા.
આ પણ વાંચોઃ બારડોલી શુગર ફેક્ટરીની પીલાણ સિઝનનો પ્રારંભ, 16 લાખ મેટ્રિક ટનનું લક્ષ્યાંક
બાય પ્રોડક્ટ ન હોવા છતાં સભાસદોને વધુ ભાવ
આ પ્રસંગે સહકારી અગ્રણી ભીખાભાઇ પટેલે આભારવિધિ કરતા જણાવ્યું હતું કે, બારડોલી સુગર ફેક્ટરી પાસે કોઈ બાયપ્રોડક્ટ નથી. આમ છતાં અન્ય સુગર ફેક્ટરીઓ કરતા ઊંચા ભાવ સભાસદોને આપે છે.
શેરડીનું વધુ ઉત્પાદન કરનાર ખેડૂતોનું સમ્માન
સભામાં હેક્ટર દીઠ વધુ શેરડીનું ઉત્પાદન કરનારા ખેડૂતોને ઇનામ આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા. વહેલી પાકતી અને મધ્યમ મોડી પાકતી જાતોમાં 2 કેટેગરી રોપાણ અને લામમાં હેક્ટર દીઠ વધુ ઉત્પાદન કરનારા સભાસદોને ઇનામ આપવામાં આવ્યાં હતાં.