- 4610 મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
- કુલ 15 પૈકી 13 બેઠકો પર 26 ઉમેદવારો મેદાનમાં
- બે બેઠકો પર પહેલાથી જ સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે
બારડોલી: ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ (બારડોલી સુગર ફેક્ટરી)ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે શનિવારે ત્રણ મતદાન મથકો પર મતદાન યોજાશે. કુલ 15 બેઠકો પૈકી 13 બેઠકો માટે 26 ઉમેદવારો મેદાનમાં છે. વર્તમાન પ્રમુખ રમણલાલ પટેલ આગેવાનીમાં સહકાર પેનલ અને મુકેશ પટેલની આગેવાનીમાં કિસાન પેનલ વચ્ચે ખરાખરીની હરિફાઈ થશે. સુરત જિલ્લામાં સુગર ફેક્ટરીની ચૂંટણીની મોસમ ચાલી રહી છે. મઢી, મહુવા અને ચલથાણ બાદ હવે 28 નવેમ્બરે બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણી યોજાશે. સહકારી ક્ષેત્રની એશિયાની સૌથી મોટી ગણાતી સુગર ફેક્ટરીના વહીવટ પર કબજો જમાવવા હોડ જામી છે.
બે બેઠકો બિનહરીફ, 13 પર મતદાન
બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં કુલ 15 બેઠકો પૈકી અનુસુચિત જાતિ/જનજાતિ અનામત બેઠક પર કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમાર અને બિન ઉત્પાદક મંડળી બેઠક પર અનિલ પટેલ સહકાર પેનલમાંથી બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે 13 બેઠકો પર બંને પેનલના મળી કુલ 26 ઉમેદવારો મેદાનમાં છે. જે માટે શનિવારે ત્રણ મતદાન મથકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થશે, જેમાં સુગર ફેક્ટરીના કુલ 4610 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ત્રણ મતદાન મથકો પર યોજાશે મતદાન
મોતા, ખરવાસા, નિઝર, બારડોલી અને મોટી ફળોદ ઝોનના મતદારો માટે અસ્તાન કન્યા વિદ્યાલય, શામપુરા, ઓરણા અને સેવણી ઝોન માટે વિહાણ હાઈસ્કૂલ ખાતે અને પૂણા, તુંડી તેમ જ ગંગાધરા ઝોન માટે ગંગાધરા હાઈસ્કૂલ ખાતે મતદાન યોજાશે. બીજી તરફ હાઈકોર્ટ સુગર ફેક્ટરીની ચૂંટણીઓને લઈ ચુકાદો પેન્ડિંગ હોવાથી બારડોલી સુગર ફેક્ટરીની મતગણતરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.