સુરતઃ અત્યાર સુધી ગુજરાતમાં કોરોના પોઝિટિવનો એક પણ કેસ નોંધાયો નહતો. પરંતુ 19 માર્ચની સાંજે પ્રથમ કેસ નોંધાયો હતો. જે અત્યાર સુધી 4 પોઝિટિવ કેસ થઈ ગયા છે. એક બાદ એક કોરોના વાયસના પોઝિટિવ કેસ આવતા સરકાર અને તંત્ર હરકતમાં આવી ગયું છે. મોટી સંખ્યા પર જ્યાં લોકો ભેગા થતા હતા તે તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યા છે. સુરત પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટે શહેરમાં કલમ 144 લગાવી દીધી છે. જેથી હવે ચારથી વધુ લોકો એક સાથે ભેગા થઈ શકશે નહીં. એટલું જ નહીં સુરતની શાળા, કોલેજ અને ટ્યુશન ક્લાસીસ ઉપરાંત હવે શહેરના બે મુખ્ય બીચ ડુમ્મસ અને સુવાલી પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
સુરત પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, 31મી માર્ચ સુધી લોકો આ બંને બીચ પર જઈ શકશે નહીં. લગ્ન અને અન્ય ધાર્મિક પ્રસંગો માટે જે વરઘોડા કાઢવામાં આવે છે તેને પણ પોલીસ પરવાનગી આપવામાં નહીં આવે. પોલીસ કમિશ્નરે સુરતના શહેરીજનોને અપીલ કરી છે કે, તેઓ સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઇડ લાઇનને માને જેથી આ સંક્રમણને રોકી શકાય.