સુરત: ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામની સીમમાં આવેલ ધરમસિંગ ભાઈ હીરાભાઈ વસાવાના ખેતરમાં અધૂરા મહિનાના બાળકનું ભ્રુણ મળી આવ્યું હતું. લીમડાના ઝાડ નીચે મોટા પથ્થર પર રૂમાલ વીંટાળેલ હાલતમાં બાળકનું ભ્રુણ મળ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા.
પોલીસે ભ્રુણનો કબજો લીધો: સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બાળકના ભ્રુણનો કબજો લીધો હતો અને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગઈ હતી. કોઈ અજાણી સ્ત્રીએ બાળકનો જન્મ છુપાવવા માટે ઇરાદાપૂર્વક બાળકનું ભ્રુણ છૂપી રીતે નિકાલ કરવા માટે આ કૃત્ય કર્યું હોવાનું ફરિયાદમાં નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
'આ બાબતે અમારી ટીમને જાણ થતાં અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બાળકના ભ્રુણનો કબજો લીધો હતો. સમગ્ર મામલે પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.'- એ. જે દેસાઈ, ઇન્ચાર્જ PSI, ઉમરપાડા
અગાઉ પણ બની છે ઘટના: થોડા મહિના અગાઉ આ જ પ્રકારના બનેલા બનાવની વાત કરીએ તો ગોડાદરા વિસ્તારમાં એક ભ્રુણ મળી આવ્યું હતું. આ અંગે ગોડાદરા પોલીસે તપાસ કરી તો સીસીટીવી હાથે લાગ્યા હતા. જોકે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ સીસીટીવી જોઈને પોલીસનું પણ હૃદય ધ્રુજી ઊઠ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું હતું કે એક મહિલા રોડ પર જ બાળકને જન્મ આપી તેને તરછોડી જતી રહે છે. તેની સાથે એક પુરૂષ પણ જોવા મળે છે. જ્યારે નજીકના સીસીટીવી ફૂટેજ ની તપાસ પોલીસે શરૂ કરી ત્યારે જોવા મળ્યું કે બાળકને તેજી દેનાર કોઈ બીજૂં નહીં પરંતુ તેની માતા હતી.