સુરત શહેરમાં રહેતા મોટી સંખ્યામાં પરપ્રાંતીઓ હાલ લૉકડાઉનના સમયે પોતાના વતન જવા ઈચ્છે છે અને છેલ્લા કેટલા સમયથી આ માંગણીઓ પણ કરી રહ્યા છે. આ વચ્ચે સુરતથી સોમવારે ચાર જેટલી બસોમાં 150 થી વધુ શ્રમિકોને ઓરિસ્સા રવાના કરાયા હતા અને મંગળવારે 36 જેટલા યુપીના નિવાસીઓને પણ સુરતથી યુપી બસથી મોકલવામાં આવ્યા છે.
સુરત જિલ્લા કલેકટરની પરવાનગી બાદ મંગળવારે 36 જેટલા યુપીના પરપ્રાંતિયોને સુરત થી યુપી મોકલવામાં આવ્યા હતા. સુરત પલસાણાના વિસ્તારમાંથી બસથી આ તમામ 36 જેટલા લોકો યુપી જવા માટે રવાના થયા હતા. નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા આ બસને રવાનગી કરવામાં આવી હતી.
સુરતના અલગ-અલગ વિસ્તારમાં રહેતાં 36 જેટલા લોકોએ નવસારી સાંસદ સી.આર.પાટીલનો સંપર્ક કર્યો હતો અને પોતાના વતન જવાની ઇચ્છા બતાવી હતી. ત્યારબાદ તેમને જવા માટે કલેકટર પાસેથી પરવાનગી મેળવવા ઓનલાઇન અરજી કરવામાં આવી હતી. સુરત કલેકટરની પરવાનગી બાદ મંગળવારે બસમાં 36 જેટલા પરપ્રાંતીઓ પોતાના વતન જવા માટે રવાના થયા હતા. જેમાં પુરૃષો સહિત મહિલાઓ પણ સામેલ હતા.
ઉલ્લેખનીય છે કે, આ તમામનું મેડિકલ ચેકઅપ કરાવી સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જે બસમાં તમામ જઈ રહ્યા હતા તેને પણ સેનેટરાઈઝ કરવામાં આવી હતી.