સુરતના ગોપીપુરા વિસ્તારમાં રહેતા સુદીપ નંદન નામનો યુવક દેવનારાયણ સુબલ નામના સોનાના દાગીના બનાવતા વેપારીને ત્યાં કામ કરતો હતો. તે દરમિયાન સુદીપ પર લાખોના સોનાના ઘરેણાંની ચોરીનો આરોપ દેવનારાયણ સુબલ દ્વારા મુકવામાં આવ્યો હતો. સુદીપ પાસેથી ઘરેણાં કઢાવવા અને ગુનાની કબૂલાત કરાવવા દેવનારાયણ સુબલે પોતાની દીકરી શ્રેયા સુબલને વાત કરી હતી. શ્રેયા સુબલ શહેર કોંગ્રેસ મહિલા આગેવાન મેઘના પટેલને ત્યાં આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. મેઘના પટેલ પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકેનો પદભાર સંભાળતા હોવાથી શ્રેયાએ તેણીને આ વાત કરી હતી.
જ્યાં મેઘના પટેલ ,શ્રેયા સુબલ,દેવનારાયણ સુબલ, ચિરાગ ખંડેરિયા સહિત 6 લોકો દ્વારા સુદીપ નંદનનું તેના ઘરેથી અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો. સુદીપને આરોપીઓ દ્વારા રાંદેર સ્થિત ઉગત રોડ પર આવેલ નેનો ફ્લેટસના ઓમ ઓટો નામની ઓફિસમાં ગોંધી રાખવામાં આવ્યો હતો. જ્યાં શનિવારના રોજ તેણે ઓફિસના પંખા વડે દુપટ્ટાથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તે દરમિયાન આપઘાતના પગલે રાંદેર પોલીસે પ્રદેશ કોંગ્રેસના મહિલા ઉપપ્રમુખ મેઘના પટેલ, દેવનારાયણ સુબલ, શ્રેયા સુબલ, ચિરાગ ખંડેરિયા સહિત 6 લોકો સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોનાના વેપારી દેવનારાયણ સુબલ દ્વારા સુદીપ પર ચોરીનો આરોપ મુકવામાં આવ્યો હતો. જ્યાં સોનાના ઘરેણાં કઢાવવા માટેનો હવાલો કોંગ્રેસ નેતા મેઘના પટેલને આપવામાં આવ્યો હતો. મેઘના પટેલ સહિત અન્ય આરોપીઓએ ફોર વ્હીલ કારમાં અપહરણ કરી સુદીપને થપ્પડો પણ મારી હતી. જ્યાં આર્થિક ટોર્ચરિંગથી કંટાળી સુદીપે અંતિમ પગલું ભરી લીધું હતું. જો કે, હાલ તમામ આરોપીઓની રાંદેર પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.