સુરત: આતંકવાદી સંસ્થા અલ કાયદા માટે ટેરર ફંડિંગ કરનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી અબુ બકરની શોધખોળ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA પણ કરી રહી હતી. આરોપી મૂળ બાંગ્લાદેશી છે. ભારત આવીને તેણે નકલી આધાર કાર્ડ પણ બનાવી લીધો હતો. એટલું જ નહીં તે અન્ય એક આરોપી હુમાયુ ખાન સાથે સંપર્કમાં હતો. બંને ટેરર ફંડિંગ માટે નાણાં મોકલતા હતા.
આતંકવાદી સંસ્થા અલ કાયદા સાથે સંકળાયેલા એક વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે વેસુ વિસ્તારથી ઝડપી પાડ્યો છે. બાંગ્લાદેશી આરોપી છેલ્લા ઘણા વર્ષથી અમદાવાદ રહેતો હતો. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી તેની ધરપકડ ન કરી લે આ માટે તે સુરત આવી ગયો હતો અને વરાછામાં નોકરીની શોધખોળ કરી રહ્યો હતો. આતંકી સંસ્થા અલગ કાયદા સાથે સંકળાયેલા આરોપી હુમાયુ ખાન સાથે તે સંપર્કમાં હતો. હુમાયુખાનને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એ વોન્ટેડ જાહેર કર્યો છે. હુમાયુ ખાનના સાગરીત અબુ બકર અમદાવાદ છોડીને ભાગી સુરત આવી ગયો હતો.
અમદાવાદમાં બનાવ્યું બોગસ આધાર કાર્ડ: આરોપી અબુ બકરની તપાસ કરતા તેની પાસેથી બોગસ આધારકાર્ડ, ગવર્મેન્ટ ઓફ પીપલ્સરી રિપબ્લિક ઓફ બાંગ્લાદેશ નેશનલ નું આઈડેન્ટીકાર્ડ તેમજ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં જન્મના પ્રમાણપત્રની નકલ મળી આવી હતી. અબુ બકરે અમદાવાદ ખાતે ગૌતમ નામના વ્યક્તિ પાસે નકલી આધાર કાર્ડ બનાવ્યું હતું. તેને આધારે ભારતીય હોવાનું જણાવીને છેલ્લા ઘણા સમયથી તે પહેલા અમદાવાદ અને ત્યાર પછી વેસુ વિસ્તારમાં રહેતો હતો. જ્યારે અબુ બકરને ખબર પડી કે NIA હુમાયુ ખાનની તપાસ શરૂ કરી છે ત્યારે તે અમદાવાદ છોડીને સુરત આવી ગયો હતો.
આરોપી NIAના એક કેસમાં વોન્ટેડ છે. તે પોતાના એક અન્ય ઓળખીતા હુમાયુ ખાન સાથે અલ કાયદાને ફંડિંગ કરતો હતો. આરોપી મૂળ બાંગ્લાદેશી છે. બોગસ પુરાવાના આધારે તે ભારતીય આધારકાર્ડ બનાવી અહીં રહેતો હતો. NIAના તપાસના ભયથી સુરત આવી ગયો હતો. ટેરર ફંડિંગ અંગે હવે એનઆઈએ તપાસ કરશે. - રૂપલ સોલંકી ( ડીસીપી - સુરત પોલીસ)