કહેવત છે કે શંકાને કોઈ સમાધાન નથી હોતું. તે જ કારણ છે કે શંકાના વહેમમાં કોઈક વખત મનુષ્ય ન કરવાનું પગલું ભરી જતો હોય છે. સુરતમાં આ પ્રકારની એક ઘટના સામે આવી છે. જ્યાં પતિ અને સાસરિયા દ્વારા પરિણીતા પર અન્ય યુવક સાથે આડા સબંધ હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. તેમજ આ શંકાના આધારે પતિ અને સાસરિયા દ્વારા પરણિતા પર માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. બાદમાં ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતુ.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સ્નેહલ નાયકા નામની યુવતીના લગ્ન બે વર્ષ અગાઉ અડાજણના હરિચમપા સોસાયટીમાં રહેતા ચીન્ટુ નાયકા જોડે થયાં હતા.સાસરિયા પક્ષના મામી સાસુ ભીખીબેન શંકરભાઇ નાયકા, રેશમાં નાયકા સહિતના સંબંધીઓ દ્વારા પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરી ગંભીર આરોપ મુકવામાં આવ્યા હતા.
સાસરિયા પક્ષે આરોપ લગાવ્યો હતો કે સ્નેહલના અન્ય યુવક સાથે આડા સબંધ છે અને તેણી ચોરીછુપીથી ફોન પર વાત કરે છે. આ પ્રકારના ગંભીર આરોપ બાદ પરિણીતા નાસીપાસ થઈ ગઈ હતી. શંકાને આધારે પરણિતા સાથે મારઝુડ પણ કરવામાં આવી હતી. જેથી કંટાળી પરિણીતાએ પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ મૃતક પરિણીતાના પરિવારે પુત્રીના મોત માટે સાસરીયાપક્ષને સંપૂર્ણપણે જવાબદાર ગણાવ્યો હતો. ગુનો નોંધ્યા બાદ પોલીસ દ્વારા સાસરિયા પક્ષમાંથી પાંચ મહિલા સહિત એક યુવકની ધરપકડ કરી છે.