સુરત : હજીરા ગ્રુપ ગ્રામ પિયત સહકારી મંડળી લિમિટેડના નેજા હેઠળ સુરત સિંચાઈ વિભાગને પુરતુ પાણી ન મળતા આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદન પત્ર પાઠવવાા આવેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે એક હજીરા અને સુવાલીના ગામડાઓમાં મોટાભાગના લોકો ખેતીવાડી પર પોતાનો જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે. જોકે સિંચાઈ વિભાગ દ્વારા એક મહિનાના રોટેશન સામે ફક્ત દસ દિવસ સુધી પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. જ્યાં હાલ સિંચાઈનું પાણી આપવાનું બંધ કરી દેવાતા ડાંગરની રોપણી અંગે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
સિંચાઈ વિભાગ દ્વારા હજીરાના ઔધોગિક એકમોને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને પાણી આપવામાં ઊણુ વલણ દાખવવામાં આવી રહ્યું છે. સ્થાનિક ખેડૂતોને અડધુ ખેતીની જમીન સંપાદન કરવામાં આવેલી છે. છતાં આ વિસ્તારના શિક્ષિત યુવાનોને રોજગારી નથી મળી રહી. યુવાનો બેકાર અને બેહાલ છે, જેથી બાકી રહેલી જમીનમાં આ વિસ્તારના ગરીબ બક્ષીપંચ તથા આર્થિક રીતે પછાત વર્ગના ખેડૂતો ડાંગર, ઘઉં, શાકભાજી જેવા પાકોની ખેતી કરી તેમજ પશુપાલનનો વ્યવસાય કરી જીવન નિર્વાહ કરી રહ્યા છે. જો માંગણી નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ખેડૂતો ગાંધી ચીંધ્યા માર્ગ અપનાવી લડત ચલાવશે.