સુરતમાં બ્રેનડેડ કિરણબેનના ફેફસાં, હ્રદય, કિડની અને ચક્ષુઓનું દાન કરી 6 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતા દાખવી હતી અને આ સમયમાં સુરતથી મુંબઈનું 267 કિ.મીનું અંતર માત્ર 85 મીનીટમાં કાપીને હૃદય અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ બારામતી સ્થિત મહારાષ્ટ્રની રહેવાસી 25 વર્ષીય યુવતીમાં મુંબઈ મૂલુંડની ફોર્ટિસ હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું. ગુજરાતમાંથી દાનમાં મોકલવામાં આવેલા હ્રદય અને ફેફસાં એક જ વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હોય તેવી આ સૌ પ્રથમ ઘટના છે.
કિરણને 15-20 દિવસથી માથામાં દુ:ખાવાની ફરિયાદ હતી. સોમવાર તા 17 જુનના રોજ મળસ્કે 3:45 કલાકે પડી જતાં તેઓ બેહોશ થઈ ગયા હતા અને ત્યારબાદ ખેંચ આવતા પરિવારજનોએ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. નિદાન માટે CT સ્કેન અને CT એન્જીયો કરાવતાં મગજની નસ ફુલીને ફાટી જવાને કારણે બ્રેઇન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું. ત્યાર બાદ ન્યૂરોસર્જને તેમને બ્રેનડેડ જાહેર કર્યા.
કિરણના પતિ કલ્પેશભાઇએ ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી તેમના પત્ની કિરણબેનના અંગદાનની ઇચ્છા વ્યક્ત કરી હતી અને અંગદાનની આખી પ્રક્રિયા શું છે ? તે સમજાવવા હોસ્પિટલ આવવા જણાવ્યુ હતું. નિલેશ માંડલેવાળાએ હોસ્પિટલ પહોંચી કિરણબેનના પતિ અને પરિવારના સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી તેનું મહત્વ સમજાવ્યું હતું.
કિરણ ના પતિ કલ્પેશ કે જેઓ સમાજ સેવક છે અને ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત પ્રદેશ વિસ્તારક તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે તેઓ વારંવાર વર્તમાન પત્રોમાં અંગદાન અંગેના સમાચારો વાંચતા હતા.આ એક ઈશ્વરીય કાર્ય છે. મારી પત્ની બ્રેનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેનું શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેના અંગોના દાન થી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો તેવુ જણાવ્યું હતું.
ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 292 કિડની, 121 લીવર, 7 પેન્ક્રીઆસ, 23 હૃદય, 4 ફેફસાં અને 240 ચક્ષુઓના દાન મેળવીને 682 વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.