સુરત : ઉધના-મગદલ્લા રોડ પર આવેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં કોરેન્ટાઈન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે વિદેશથી આવતા તમામ લોકોને ફરજીયાત 14 દિવસ સુધી સરકાર દ્વારા ઊભા કરવામાં આવેલા કોરેન્ટાઈન વોર્ડમાં રાખવાની ગાઇડલાઇન જાહેર કરી છે. જેથી સુરતમાં પણ દર અઠવાડિયે આવતી ચાર ફોરેન ફ્લાઈટમાંથી આવતા મુસાફરોને 14 દિવસ સુધી નિરીક્ષણમાં રાખવા માટે આ કોરેન્ટાઈન વોર્ડ બનાવવામાં આવ્યું છે.
આ કોરેન્ટાઈન વોર્ડમાં હાલ 500 બેડ છે, અને 500 બેેેડની સુવિધા છે. જે ટૂંક સમયમાં વધારી 1000 બેડ કરવામાં આવશે. સાથે 24 કલાક મેડિકલ અને ડોક્ટરોના સ્ટાફ વિદેશથી આવેલા યાત્રીઓ માટે સજ્જ રહેશે.
કોરેન્ટાઈન વોર્ડ નિરીક્ષણ કરવા માટે આજે સુરત જિલ્લા કલેકટર ધવલ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી, અને પોલીસ કમિશ્નર આર.બી બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા. સુરત એરપોર્ટ પર વિદેશથી આવતા યાત્રીઓને બસમાં લઇ જવામાં આવશે. જેમાં એરપોર્ટ પર યાત્રીઓના પરિવારજનો પણ મળી શકશે નહીં.
આ અંગે જિલ્લા કલેકટર ડૉ. ધવલ પટેલે જણાવ્યું હતું કે, "સરકારની ગાઈડ લાઈન મુજબ પગલાં ભરવામાં આવી રહ્યા છે. મેડિકલ ટીમ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે. સુરત એરપોર્ટ પર આવતા મુસાફરોને પોતાના પરિવારથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. હાલ 500 બેડની સુવિધા છે,અને 1000 બેડની સુવિધા કરવામાં આવશે."
શારજહાંથી આવતા મુસાફરોને ક્વોરીન્ટાઇન કરવામાં આવશે. જેમાં મુસાફરોને જમવા સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ તંત્ર દ્વારા સાવચેતી અને તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. શારજહાથી આવતા તમામ મુસાફરોને સમરસ હોસ્ટેલમાં 14 દિવસ માટે રાખવામાં આવશે.