બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર પોતાના અભિનયની સાથે સાથે માર્શલ આર્ટ પ્રત્યેના તેમના પ્રેમને લઈ હંમેશાથી ચર્ચામાં રહ્યા છે, ત્યારે તેઓએ સુરતીઓને ફિટ રહેવા અપીલ કરી હતી. તેમજ ફિટનેસ મંત્ર આપતા કહ્યું કે, તે જાણે છે કે, સુરતીઓ વિવિધ વાનગીઓ ખાવાના શોખીન છે. તેમ છતાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે, સાંજે 6:30 વાગ્યા પહેલા જમી લેવાનુ હોય છે. તેઓએ લોકોને સ્વાસ્થ્યની ટીપ આપી અપીલ કરતા કહ્યું કે, લોકો 6:30 વાગ્યા પહેલા જમી લે. જેથી તેઓનું સ્વાસ્થ્ય સારું રહે.
દેશભરમાંથી આવેલા ટુર્નામેન્ટના ખેલાડીઓને સંબોધિત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે, વિશ્વમાં ભારત કુડો સ્પર્ધામાં નંબર વન બને. સાથે તેઓએ બાળકોના માતા-પિતાને પણ અપીલ કરી હતી કે, તેઓ પોતાના બાળકને તાલીમ આપે અને આ માટે બાળકોને પ્રોત્સાહન આપે.
તેમજ બાળકોની સાથે તે પણ માર્શલ આર્ટ અને કુડો શીખે. કારણકે કુડો શીખવાની કોઇ ઉંમર હોતી નથી. તેઓએ જણાવ્યું હતુ કે, તે પોતાના પુત્ર આર્યન સાથે જ્યારે પણ સમય મળે છે, ત્યારે આવી અનેક પ્રવૃત્તિઓ કરતા હોય છે. જેના લીધે માતા-પિતા બાળકોની નજીક આવે છે. આરોગ્યના મામલે વિશ્વમાં આપણો દેશ ખૂબ જ પાછળ છે અને સ્વાસ્થ્ય પૈસાથી પણ કિંમતી હોય છે તે મારો અંગત અનુભવ છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કુડો શીખવાડવાના નામે લેભાગુ તત્વો છોકરાઓના મા બાપ પાસે પૈસા માગે છે. તો હું કહેવા માગુ છું કે, જ્યાં સુધી અક્ષય કુમાર છે ત્યાં સુધી કોઈપણ મા બાપે કુડો શીખવાના પૈસા આપવાના નથી. જો કોઈ તમારી પાસે પૈસા માગે તો મને જણાવો હું એમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશ.