પાટણ: સરકાર દ્વારા ગરીબ અને નાના ધંધાર્થીઓ પગ ભર બને તે માટે ગરીબ કલ્યાણ મેળો યોજી લાભાર્થીઓને અનેક પ્રકારની કીટોનું વિતરણ કરવામાં આવે છે. આ કીટ સમયસર લાભાર્થીઓ સુધી ન પહોંચાડી ગોડાઉનમાં ઉધઈ ખાઈ ગયા પછી તેનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક આપી માહિતી: સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક પી.ડી. સરવૈયાએ આ બાબતે જણાવ્યું હતું કે " માનવ ગરીમા યોજના અંતર્ગત 34 જેટલા લાભાર્થીઓને દૂધ અને દહીં વલોવવાના સાધનોની કીટ આપવામાં આવી છે. સરકાર દ્વારા પૂરતી કિટો મોકલાવી ન હોવાને કારણે તેને ગોડાઉનમાં રાખવામાં આવી હતી. ગોડાઉનમાં રાખેલ કીટોના પેકિંગ ઉપર ઉધઈ જોવા મળી છે. પરંતુ અંદરની કોઈ વસ્તુને નુકસાન થયેલ નથી. તો બીજી તરફ જે પણ લાભાર્થીઓને કચેરી દ્વારા કીટ આપવામાં આવી છે. તે કીટ ખરાબ અને ઉધઈ વાળી આવી હોવાની એક પણ ફરિયાદ કચેરી સુધી આવી નથી.
અનુસૂચિત જાતિ છાત્રાલયમાં: આ પ્રકારની ઘટના પાટણ ખાતે બનવા પામી છે. ત્યાં સરકાર દ્વારા વર્ષ 2021-22માં માનવ ગરીમા યોજના અંતર્ગત આપવામાં આવેલ કીટો ગોડાઉન માં પડે પડે ઉધઈ ખાઈ ગઈ અને ત્યાર બાદ લાભાર્થીઓ ને આપવામાં આવી જે ગંભીર બેદરકારી પાટણ સમાજ કલ્યાણ વિભાગની સામે આવી છે. લાભાર્થીઓ પણ આ પ્રકારની કીટ નો સ્વીકાર કરતા શરમ અને સંકોચનો અનુભવ કરવા લાગ્યા છે. પાટણના ચાણસ્મા તાલુકાના લાભાર્થીઓને આ કીટ વિતરણ કરવામાં આવી હતી. જેને લઈ લાભાર્થીઓ નારાજ થયા હતા.આ કીટો પાટણ ખાતે આવેલ અનુસૂચિત જાતિ છાત્રાલયમાં મુકવામાં આવી હતી. જ્યાં બે વર્ષ સુધી પડી રહેતા ખોખાઓ ઉપર ઉધઈ ખાઈ જવા પામી છે.
તંત્ર દોડતું થયું: હાલતો આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા તંત્ર દોડતું થયું છે. તો બીજી તરફ સમાજ કલ્યાણ અધિકારી સમક્ષ વાત કરતા તેઓ આ સમગ્ર મામલે લુલો બચાવ કરતા જોવા મળ્યા હતા. ત્યારે આ પ્રકાર ની ગંભીર બેદરકારી બદલ અધિકારીઓ પર કોઈ પગલાં લેવામાં આવશે કે પછી ભીનું સંકેલી દેવામાં આવે છે તે તો જોવાનું રહ્યું.