બારડોલી: સુરતના બારડોલી શહેરથી વાલોડ જવાના રસ્તે આવેલું આફવા ગામમાં પ્રવેશતા જ જાને વિદેશમાં આવી ગયા હોય તેનો અહેસાસ થાય છે. 80 ટકા ગામના લોકો NRI છે. સુરતના મુખ્ય શહેરથી લગભગ 40 કિલોમીટરના અંતરે આવેલું આ ગામમાં આદિવાસી, પાટીદાર અને માહ્યાવંશી સમાજના લોકો વસવાટ કરે છે. જયારે મહારાષ્ટ્ર અને ગુજરાત એક હતું તે સમયથી આદર્શ ગામની નામના મેળવી ચૂકેલું આફવા ગામની પરંપરા આજે પણ યથાવત છે.

સાંજ સવાર સ્પીકરમાં વાગે છે મધુર સંગીત: સવારના લગભગ 7 વાગ્યા અને ETV ભારતની ટીમ આફવા પહોંચી ત્યારે ગલીઓમાં ભજન વાગતા હતા. ETV ભારતની ટીમની સૌપ્રથમ મુલાકાત ગામના માજી સરપંચ અને આગેવાન એવા લલ્લુ ભાઈ પટેલ સાથે થઇ. ગામના માજી સરપંચ અને આગેવાન લલ્લુ ભાઈ જણાવે છે કે, 'સવાર સાંજ મધુર ભજનથી ગામનું વાતવરણ ભક્તિમય થઇ જાય છે. મધુર સંગીતથી લોકોને મનોરંજન પણ મળે છે સાથે સાથે સવાર સાંજ ભજનથી લોકોમાં સંસ્કારોનું સિંચન પણ થાય છે. ગામમાં ઇન્ટરનેટની સુવિધા પણ કરવામાં આવી છે'
તમામ વાયરો અંડરગ્રાઉંડ: ETV ભારતની ટીમ ગામના અન્ય વિસ્તારોમાં પહોંચી ત્યારે જોવા મળ્યું કે સમગ્ર ગામમાં વીજળી, કેબલ ટીવી કે ઇન્ટરનેટના વાયરો લટકતા જોવા મળતા નથી. તમામ વાયરો અંડરગ્રાઉંડ કરી દેવામાં આવ્યા છે. ગામમાં દરેજની સુવિધા જોઈને પણ આશ્ચર્યચકિત થઇ જવાય છે. આ અંગે માજી સરપંચને પૂછતાં તેઓ જણાવે છે કે, 'આફવામાં 1975 માં જ અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમને લાગુ કરી દેવામાં આવી હતી. તેથી જ મહારાષ્ટ્ર અને ગુજરાતનું જયારે સંયુક્ત સાશન ચાલતું હતું ત્યારથી અમારા ગામને આદર્શ ગામ જાહેર કરવામાં આવ્યું છે. અમે લોકો આ પરંપરા આજે પણ યથાવત રાખી છે.'

કેવી રીતે થાય છે આયોજન?: ગામમાં સૌથી વધુ વસ્તી હળપતિ સમાજની છે. ઉપરાંત પાટીદાર સમાજ અને માહ્યાવંશી સમાજના લોકો પણ શાંતિપૂર્વક રહે છે. પાટીદાર સમાજ વર્ષોથી વિદેશમાં સ્થાયી થયો છે. 80 ટકા લોકો વિદેશમાં વસવાટ કરે છે. માજી સરપંચ જણાવે છે કે, 'દર વર્ષે NRI નવેમ્બર-ડિસેમ્બરમાં ગામમાં આવે છે ત્યારે જે કામ કરવાનું હોય તે અંગે ચર્ચા કરવામાં આવે છે. બેઠકમાં ગામની જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવે છે અને ત્યારબાદ વિકાસના કયા-કયા કામ કરવાના છે તે નક્કી કરવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન બેઠકમાં નક્કી કરવામાં આવેલા કામોની કામગીરી કરવામાં આવે છે.'
ગામના ફરતે રિંગરોડ: સામાન્ય રીતે મોટા શહેરો કે મેટ્રો સિટીમાં રિંગ રોડની વ્યવસ્થા જોવા મળતી હોય છે. શહેરોમાં ટ્રાફિકની સમસ્યાથી બચવા અને રહેઠાણ વિસ્તારોમાં થતા અકસ્માત અને ભારે વાહનોથી થતા રોડના નુકસાનને અટકાવવા રિંગ રોડ બનાવવામાં આવતા હોય છે. આફવા ગામમાં બનેલો રિંગ રોડ ગામડાના આધુનિક વિકાસનું પ્રતીક છે. આ અંગે ગામના માજી સરપંચ લલ્લુ ભાઇ જણાવે છે કે, 'ગામની ફરતે ગામના લોકોએ રિંગરોડનું નિર્માણ કર્યું છે. જેથી ભારે વાહનો ગામની બહાર બારોબાર સરળતાથી નીકળી શકે. ભારે વાહનો ગામની અંદર ન આવવાથી ગામના રોડ પણ માબિત રહે છે અને ગામમાં પ્રદુષણ પણ થતું નથી'

ખેડૂતો માટે ખાસ વ્યવસ્થા: ગામમાં ખેતીનો નોંધપાત્ર વિકાસ થયો છે. ગામના 80 ટકા લોકો ભલે વિદેશમાં સ્થાયી થયા હોય પણ અહી રહેતા લોકો ખેતીવાડી સંભાળી રહ્યા છે. ગામમાં ખેડૂતો માટે અલગ અલગ મંડળીઓ બનાવવામાં આવી છે. આ મંડળીઓના સહયોગથી ખેડૂતો ખેતીમાંથી સારી આવક મેળવી રહ્યા છે. ગામના વડીલ અને પિયત મંડળીના સ્થાપક પ્રમુખ કમલેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, 'ગામમાં ત્રણ જેટલી સહકારી મંડળી હાલ ગામમાં કાર્યરત છે. વિદેશમાં સ્થાયી થયેલા પરિવારો પણ તેમની ખેતી અહીં રહેતા પરિવારોને સોંપી ગયા છે. ખેતી વ્યવસ્થિત રીતે થાય તે માટે ગામમાં સહકારી ધોરણે પિયત મંડળીની પણ સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત ગામમાં સહકારી ધોરણે રાઈસમિલ અને દૂધ મંડળી પણ ચાલે છે.'
આંખને ટાઢક આપતા વૃક્ષો: ગામમાં આજુબાજુ લીલોતરી હોય જ છે, પરંતુ ફળિયામાં પણ લીલોતરી જળવાઈ રહે તે માટે ગ્રામજનોના સહયોગથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગામના વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણીનો પણ ખ્યાલ રખાયો છે. ગામમાં પ્રવેશતા જ આંખને ટાઢક મળે એવી રીતે રસ્તાની બંને બાજુ કતારબંધ વૃક્ષો અડીખમ ઊભા છે.
આ પણ વાંચો Kutch News : લગાન ફિલ્મથી જાણીતું થયેલું કુનરીયા ગામ હવે શા માટે કહેવાય છે ગુજરાતનું મોડેલ ગામ જાણો