સુરતઃ કામરેજ તાલુકાના લાડવી ગામની બે અનાથ દીકરીઓને રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ થોડા સમય અગાઉ દત્તક લીધી હતી. આ દીકરીઓના અભ્યાસ અને અન્ય જવાબદારી શિક્ષણ પ્રધાને લીધી હતી. હવે આ દીકરીઓના શાળા પ્રવેશ સમયે ખુદ શિક્ષણ પ્રધાન પાનસેરિયા ઉપસ્થિત રહ્યા અને શાળા પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે આખું ગામ ઉમટી પડ્યું હતું. હાજર લોકોના આંખમાં આ માનવતાને લીધે હર્ષના આંસુ આવી ગયા હતા.
સમગ્ર ઘટનાક્રમઃ લાડવી ગામે હળપતિ ફળિયામાં બે સગી અનાથ બહેનો રહેતી હતી. જેમાં સંજના રાઠોડ 8 વર્ષીય અને વંશિકા રાઠોડ 6 વર્ષીય છે. તેમના પિતાનું એક મહિના અગાઉ અવસાન થયું હતું. તેમની માતા એકાદ વર્ષ અગાઉથી પરિવારથી દૂર હતી. બંને દીકરીઓ વૃદ્ધ દાદા સાથે જીર્ણ શીર્ણ થયેલા ઝુંપડામાં રહેતી હતી. આ દીકરીઓની કઠણાઈ ભરી સ્થિતિની રજૂઆત ગામના સરપંચ લાલુ દેસાઈએ શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાને કરી હતી. શિક્ષણ પ્રધાન આ દીકરીઓની રામકહાની સાંભળીને દુઃખી થઈ ગયા. તેમણે તાત્કાલીક દીકરીઓના અભ્યાસ તેમજ અન્ય જવાબદારીઓ શીરે લઈ લીધી. જે અનુસંધાને આજે દત્તક લીધેલ બંને અનાથ દીકરીઓના શાળા પ્રવેશ માટે શિક્ષણ પ્રધાન રુબરુ લાડવી ગામે ઉપસ્થિત રહ્યા હતા. તેટલું જ નહીં આગળ જતા સામાજિક પ્રસંગે તેમજ અન્ય ખર્ચ માટે શિક્ષણ પ્રધાને બંને દીકરીઓના નામે સવા પાંચ લાખ રુપિયાની એફડી પણ કરાવી છે.
આ બન્ને અનાથ દીકરીઓને જવાબદારી મેં ઉપાડી છે. દીકરીઓના તમામ સપના પૂરા કરવામાં આવશે. હાલ દીકરીઓને અભ્યાસ માટે એક શાળામાં મૂકવા જઈ રહ્યા છે. મને ખૂબ દુઃખ થાય છે કે મારા મત વિસ્તારમાં આવી પરિસ્થિતિમાં બે દીકરીઓ રહેતી હતી અને મને મોડી જાણ થઈ, હું તો ફકત નિમિત્ત બન્યો છે. મેં મારા પક્ષ ભાજપના સમરસના સિદ્ધાંત પર જ આ સેવાકાર્ય કર્યુ છે. બાકી ભગવાન ની દયા છે...પ્રફુલ્લ પાનસેરિયા(શિક્ષણ પ્રધાન)