લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ દિવ્યાંગ મતદારો સુગમ્ય રીતે મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા નિયુકત કરવામાં આવેલા દિવ્યાંગ મતદારો માટે સુરત તથા બારડોલી જિલ્લાની 16 વિધાનસભાના આસીસ્ટન્ટ રીર્ટનિગ ઓફિસરો સાથે બેઠક યોજવામાં આવી હતી. જે અંતર્ગત દિવ્યાંગ મતદારો માટેના સ્પેશ્યલ બી.કે.કુમારે ઉમરા ખાતે આવેલી દિવ્યાંગો માટે કાર્ય કરતી ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા અને દિવ્યાંગ મતદાન મથકોની મુલાકાત લઈ દિવ્યાંગો માટેની વેસ્ટર્ન ટોયલેટ તેમજ અન્ય સુવિધાઓની જાત ચકાસણી કરી જરૂરી સૂચનો આપી હતી.
બેઠકમાં બી.કે.કુમારે જણાવ્યું હતું કે, લોકસભાની સામાન્ય ચૂંટણીમાં દિવ્યાંગ મતદારોને કોઈ પણ સમસ્યા વિના વધુમાં વધુ મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટ ગાઈડ લાઈન આપવામાં આવી હતી. દિવ્યાંગ મતદારો મતદાન સમયે લાઈનમાં ઉભા ન રાખતા સીધુ મતદાન કરી શકે તેમજ તેઓની કોઈ પણ મુશ્કેલી ન પડે તે અંગેની તકેદારી લેવા ચૂંટણી ફરજ પરના અધિકારી તથા કર્મચારીઓ ધ્યાન આપે તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. ઉપરાંત દિવ્યાંગ મતદારોને માંગણી અનુસાર વ્હીલચેર અને સહાયક પુરા પાડવા તથા અન્ય સુવિધાઓ સંબંધે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સુરત જિલ્લામાં કુલ 5500 દિવ્યાંગ મતદારો પૈકી માંગણી કરવામાં આવી હોય તેવા 195 દિવ્યાંગોને વ્હીલચેર તથા 317 દિવ્યાંગ મતદારોને સહાયક પુરા પાડવામાં આવશે. આ ઉપરાંત દરેક વિધાનસભા દીઠ એક-એક દિવ્યાંગ મતદાન મથક પણ ઉભુ કરવામાં આવશે.